લગ્ન પ્રસંગમાં ધિંગાણું: સાણંદના ફાર્મ હાઉસ માલિક પર ધારદાર હથિયારોથી હુમલો, 11ની અટકાયત
અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરમાં આવેલા જાણીતા KD ફાર્મ ખાતે ગઈકાલે રાત્રે મારામારીની ગં

અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરમાં આવેલા જાણીતા KD ફાર્મ ખાતે ગઈકાલે રાત્રે મારામારીની ગંભીર ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગ દરમિયાન થયેલી બોલાચાલી બાદ ફાર્મ હાઉસના માલિક નિખિલ પટેલ સહિત ત્રણ વ્યક્તિઓ પર ધારદાર હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાં આપવામાં આવેલા નિવેદન મુજબ, ફાર્મ હાઉસ ખાતે લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સ્ટાફના એક સભ્યને રૂમ સાફ કરવા સૂચના આપતા સામાન્ય બોલાચાલી થઈ હતી. મામલો વધુ બિચકતા નિખિલ પટેલ જાતે સ્થળ પર પહોંચી સમજાવટ કરવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ અડધાથી એક કલાક બાદ બહારથી કેટલાક લોકોનું ટોળું બોલાવવામાં આવ્યું અને નિખિલ પટેલ સહિત અન્ય બે વ્યક્તિઓ પર ધારદાર હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો. હુમલામાં નિખિલ પટેલ અને તેમના સાથીઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે.
ફરિયાદ મુજબ, માજીદ અને સાહિલ નામના વ્યક્તિઓ હુમલાના મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. હુમલામાં સંડોવાયેલા કેટલાક વેઈટર સ્ટાફ કાશ્મીરના હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હાલ નિખિલ પટેલ અને અન્ય ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સાણંદ ટાઉન પોલીસે ગુનો નોંધી 11 લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.








