ઉપરવાસમાંથી આવક વધતાં ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયું, 1.5 લાખ ક્યુસેકનો જથ્થો રિલિઝ કરી રાઉન્ડ ધ ક્લોક નજર
દક્ષિણ ગુજરાત સહિત ઉકાઈ ડેમના ઉપરવાસમાં આ ચોમાસામાં ખૂબ સારો વરસાદ થવાને કારણે ઉકાઈ ડ

દક્ષિણ ગુજરાત સહિત ઉકાઈ ડેમના ઉપરવાસમાં આ ચોમાસામાં ખૂબ સારો વરસાદ થવાને કારણે ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થઈ હતી. ભૂતકાળના અનુભવ પરથી વહીવટી તંત્ર દ્વારા ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટને જાળવવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. ઉકાઈ ડેમની સ્થિતિને જાળવી રાખવા માટે વહીવટી તંત્ર દ્વારા 1.5 લાખ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આવકની સામે જાવક વધારવામાં આવી
ઉકાઈ ડેમ તેની ભયજનક સપાટી 345 ફૂટ ઉપર પહોંચી ગયો હતો. બીજી તરફ ઉકાઈ ડેમમાં પાણીની આવક પણ સતત એક લાખ જેટલી નોંધાઇ રહી હતી. વહીવટી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું જોખમ લીધા વગર ભયજનક સપાટીથી ડેમને નીચે લાવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 344.96 નોંધાય છે. એક રીતે કહીએ તો હજી પણ ઉકાઈ ડેમ તેની ભયજનક સપાટી ઉપર જ છે અને તેના કારણે પાણીની આવક વધે તો સપાટી વધી શકે તેવી પૂર્ણ શક્યતા છે. જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સતત પાણી છોડવાનું શરૂ કરાયું છે.
1.5 લાખ ક્યુસેક પાણી છોડાશે
વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે, આજે સાંજથી દોઢ લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવશે. હજી પણ ઉકાઈ ડેમમાં પાણીની આવક 1 લાખથી 80 હજાર ક્યુસેક સુધી અપડાઉન થઈ રહી છે. જેને પરિણામે ઉકાઈ ડેમની સ્થિતિને જાળવી રાખવા માટે 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી પાણીની સ્થિતિ સતત વધતી હોવાને કારણે વહીવટી તંત્ર રાઉન્ડ ક્લોક નજર રાખીને બેઠું છે.






