ગુજરાતમાં પાણીનું સંકટ, 92 ડેમોમાં માત્ર 30 ટકા જ પાણી; 28 ડેમોના તળિયા દેખાયાં
Water Crisis in Gujarat: એક બાજુ, ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. હિટવેવને પગલે લોકો ત્રાહીમામ પોકાર

Water Crisis in Gujarat: એક બાજુ, ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. હિટવેવને પગલે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. આ સંજોગોમાં અમદાવાદ, વડોદરા જેવા શહેરી વિસ્તારોમાં પીવાના પાણીની અછત સર્જાતા શહેરીજનોએ દેકારો મચાવ્યો છે. રાજ્યના ડેમોમાં પણ પાણીની સ્થિતિ જોતાં એવુ લાગી રહ્યુ છે કે, આગામી દિવસોમાં ગુજરાતમાં પાણીનું સંકટ ઉભુ થઇ શકે છે.હાલ રાજ્યના ડેમોમાં માત્ર 50 ટકા જ પાણી ઉપલબ્ધ છે. પાણીના સંકટને જોતાં રાજ્ય સરકાર પણ દોડતી થઇ છે. છેલ્લી ઘડીએ સરકારે પાણીનું આયોજન કરવા મજબૂર થવુ પડ્યુ છે.
ઉનાળો આખો બાકી ત્યાં અત્યારથી જ પાણીનું સંકટ
રાજ્યમાં ગરમીનો વધતાં પ્રકોપને જોતાં પાણીનો વપરાશ વધ્યો છે. હજુ તો ઉનાળો આખો બાકી છે ત્યાં અત્યારથી પાણીનું સંકટ ઉભુ થાય તેવી પરિસ્થિતિ નિર્માણ થઇ રહી છે તેનું કારણ એ છે કે, ઉત્તર ગુજરાતમાં 15 ડેમોમાં માત્ર 658 એમસીએમ પાણી બચ્યુ છે. એટલે કે, આ વિસ્તારના ડેમોમાં માત્ર 34.13 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મધ્ય ગુજરાતમાં 17 ડેમોમાં 58.35 ટકા પાણીનો જથ્થો ડેમોમાં સંગ્રહાયેલો રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ 13 ડેમોમાં 5046.35 એમસીએમ પાણી બાકી બચ્યુ છે. કચ્છના 20 ડેમોમાં 123.49 એમસીએમ પાણી રહ્યુ છે. કચ્છમાં ડેમોમાં 37.94 ટકા પાણી રહ્યુ છે. સૌરાષ્ટ્રમાં સ્થિતિ ગંભીર બને તેવા એંધાણ છે કેમકે, 141 ડેમો પૈકી એકમાત્ર ડેમ સંપૂર્ણપણે ભરાયેલો રહ્યો છે. આ ડેમોમાં 10145 એમસીએમ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. એટલે જ સૌરાષ્ટ્રના ડેમોમાં 40.37 ટકા પાણી બચ્યુ છે. રાજ્યમાં અત્યારે માત્ર પાંચ ડેમો જ એવાં છે જેમાં 90 ટકા પાણીનો જથ્થો મોજૂદ છે પણ ચિંતાજનક વાત એ છે કે, 28 ડેમો તો સ્ટેડિયમ બન્યાં હોય તેવી સ્થિતિ છે. આ ડેમોમાં 10 ટકા ય પાણી રહ્યુ નથી. 92 ડેમોમાં પાણીની માત્રા 30 ટકાથી ઓછી છે. બનાસકાંઠાના ડેમોમાં 11.37 ટકા,સાબરકાંઠામાં 27 ટકા, દ્વારકામાં 12 ટકા, મોરબીમાં 28 ટકા અને સુરેન્દ્રનગરના ડેમોમાં 33 ટકા પાણીનો જથ્થો રહ્યો છે. આ બધાય જીલ્લામાં આગામી દિવસોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાયે તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે.
ગામડાઓમાં ટેન્કરો દોડાવવા પડે તેવી સ્થિતિ
જો શહેરમાં અત્યારથી જ પીવાના પાણી માટે દેકારો મચ્યો છે ત્યારે ગામડાઓમાં ટેન્કરો દોડાવવા પડે તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. હવે જ્યારે પાણીની સમસ્યા ફેણ માંડીને ઉભી છે ત્યારે સરકારે છેલ્લી ઘડીએ બેઠક યોજીને પાણી મુદ્દે આયોજન કરવા મજબૂર થવુ પડ્યુ છે. જે રીતે ડેમોમાં પાણીનો જથ્થો ઘટી રહ્યો છે તે જોતાં ખેડૂતો પર સિંચાઇના પાણી પર પ્રતિબંધ મૂકાય તે દિવસો પણ દૂર નથી.








