મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ વઢવાણ બનશે ‘હેરિટેજ સિટી’: ઐતિહાસિક વારસો જાળવવા 60 કરોડનું સ્પેશિયલ બજેટ જાહેર

ઝાલાવાડની શાન ગણાતા વઢવાણ શહેરને હેરિટેજ સિટી તરીકે વિકસાવવાની વર્ષો જૂની માંગણી આખરે સંતોષાઈ છે

તસવીર: gstv

ઝાલાવાડની શાન ગણાતા વઢવાણ શહેરને હેરિટેજ સિટી તરીકે વિકસાવવાની વર્ષો જૂની માંગણી આખરે સંતોષાઈ છે. સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત નગરપાલિકા (મહાનગરપાલિકા પ્રક્રિયા હેઠળ) દ્વારા વઢવાણના ઐતિહાસિક વારસાને જીવંત કરવા માટે 60 કરોડ રૂપિયાનું સ્પેશિયલ બજેટ જાહેર કરવામાં આવ્યું છે.

ઐતિહાસિક સ્થાપત્યોનું થશે નવીનીકરણ

આ બજેટ હેઠળ વઢવાણના પ્રાચીન અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળોનું ડેવલપમેન્ટ કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે વઢવાણના ઐતિહાસિક ગઢ અને કલાત્મક દરવાજાઓનું સમારકામ અને નવીનીકરણ થશે. વઢવાણની પ્રખ્યાત વાવોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. સુરેન્દ્રનગરના આકર્ષણ સમાન હવા મહેલને હેરિટેજ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી ત્યાં આધુનિક લાઈટિંગ ડેકોરેશન કરવામાં આવશે. રાણકદેવી મંદિર સહિતના અન્ય ઐતિહાસિક મંદિરોનો પણ જીર્ણોદ્ધાર અને વિકાસ હાથ ધરાશે.

પ્રથમ વખત આટલું મોટું બજેટ

વઢવાણના ઇતિહાસમાં પ્રથમ વખત મહાનગરપાલિકા દ્વારા હેરિટેજ સિટી બનાવવાના હેતુથી 60 કરોડ રૂપિયા જેવી માતબર રકમનો ખર્ચ કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી માત્ર વઢવાણની સુંદરતા જ નહીં વધે, પરંતુ પ્રવાસન ક્ષેત્રે પણ મોટો ઉછાળો આવશે.

આ સમાચાર શેર કરો