મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ જૂના તણખલા ગામે પાણીની તંગી, બગડેલા હેડપંપથી ગ્રામજનો પરેશાન

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જૂના તણખલા ગામમ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જૂના તણખલા ગામમાં છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉભી થઈ છે. ગામના ચાર જેટલા હેડપંપ બગડી જતા ગ્રામજનોને પીવા અને ઘરગથ્થુ વપરાશ માટે પાણી મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

માહિતી મુજબ, સાંકળ (તણખલા) ગ્રામપંચાયત હેઠળ આવેલા જૂના તણખલા ગામમાં નિશાળ ફળિયું, મહાદેવ મંદિર ફળિયું અને પાછળનું ફળિયું મળી ત્રણ ફળિયામાં 500થી વધુ લોકો વસે છે. ગામમાં પાણી પુરવઠા વિભાગનું પાણી પણ પહોંચતું ન હોવાથી પરિસ્થિતિ વધુ વિકટ બની છે.

પાણીની સમસ્યા અંગે રજૂઆત કરવા માટે ગામની 15થી વધુ મહિલાઓ ગ્રામપંચાયત કચેરીએ પહોંચી હતી, પરંતુ ત્યાં તલાટી કે સરપંચ હાજર ન હોવાનું જણાયું હતું. ગ્રામજનોનો આક્ષેપ છે કે કચેરીમાં જવાબદાર અધિકારીઓ હાજર રહેતા નથી અને તેમની સમસ્યાઓ સાંભળવામાં આવતી નથી.

ગ્રામજનોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ઘરે ઘરે પાણી પહોંચાડવાના દાવા કરવામાં આવે છે, પરંતુ તેમના ગામમાં છેલ્લા એક મહિનાથી પીવાના પાણી માટે ભારે હાલાકી વેઠવી પડી રહી છે. હાલ ગ્રામજનો તાત્કાલિક પાણીની વ્યવસ્થા અને બગડેલા હેડપંપ દુરસ્ત કરવાની માંગ કરી રહ્યા છે.

     

આ સમાચાર શેર કરો