મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ વઢવાણ યાર્ડ પાસે રફતારનો કહેર, ઓવરસ્પીડ સ્કોર્પિયોએ રિક્ષાને ફંગોળી; 4 લોકો ગંભીર રીતે ઘાયલ

સુરેન્દ્રનગરમાં 'રફતારના રાક્ષસો' ફરી એકવાર બેફામ બન્યા છે. વઢવાણ માર્કે

તસવીર: gstv

સુરેન્દ્રનગરમાં 'રફતારના રાક્ષસો' ફરી એકવાર બેફામ બન્યા છે. વઢવાણ માર્કેટિંગ યાર્ડની બહાર એક અતિશય ઝડપે આવતી સ્કોર્પિયો કારે શાકભાજી ભરેલી રિક્ષાને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે.

શાકભાજી ખરીદીને નીકળતા જ કાળ ભેટ્યો

મળતી માહિતી મુજબ, વઢવાણ માર્કેટિંગ યાર્ડમાંથી શાકભાજીની ખરીદી કરીને એક રિક્ષા બહાર નીકળી રહી હતી. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી એક સ્કોર્પિયો કારના ચાલકે રિક્ષાને અડફેટે લીધી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને રિક્ષા ચાલક સહિત ચાર લોકો લોહીલુહાણ હાલતમાં ફસાયા હતા.

ઈજાગ્રસ્તોને રાજકોટ ખસેડાયા

અકસ્માતને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. ચારેય ઈજાગ્રસ્તોની હાલત અત્યંત નાજુક હોવાથી તેઓને પ્રાથમિક સારવાર માટે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.

કલાકો સુધી ટ્રાફિક જામ

આ અકસ્માત બાદ વઢવાણ-સુરેન્દ્રનગર રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. રસ્તા પર અકસ્માતગ્રસ્ત વાહનો અને લોકોના ટોળા ઉમટી પડતા કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેમાં અનેક વાહનચાલકો ફસાયા હતા.

સ્થાનિક પોલીસ હવે ઓવરસ્પીડ કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. વધતા જતા અકસ્માતોને પગલે શહેરના પ્રવેશદ્વારો પર સ્પીડ કંટ્રોલની જરૂરિયાત ફરી એકવાર ચર્ચાઈ રહી છે.

આ સમાચાર શેર કરો