મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: નસવાડીના રામાપલસાદી ગામમાં રસ્તાની સુવિધા માટે ગ્રામજનોનો સૂત્રોચાર, તંત્ર સામે રોષ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલા રામાપલસાદી ગામના 1,000થી વધ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલા રામાપલસાદી ગામના 1,000થી વધુ રહેવાસીઓ રસ્તાની સુવિધાના અભાવે ચોમાસામાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગામમાં જવા માટે બે કિલોમીટર કાદવ-કીચડવાળો રસ્તો પસાર કરવો પડે છે, જેના કારણે ચોમાસાના ચાર મહિના ગામલોકો મુશ્કેલીમાં મુકાય છે. આ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે 108 એમ્બ્યુલન્સ પણ ગામ સુધી પહોંચી શકતી નથી, જેના લીધે આદિવાસી સમુદાયના લોકોને આરોગ્ય સેવાઓ મેળવવામાં અડચણો ઉભી થાય છે.

સ્થાનિક ગ્રામજનોએ વહીવટી તંત્રને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ ઉકેલ ન આવતાં, ગુસ્સે ભરાયેલા ગામલોકોએ સૂત્રોચાર કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. તેઓએ આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓને ગામમાં પ્રવેશ નહીં આપવાની ચીમકી આપી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, ગ્રામ પંચાયતના સરપંચથી લઈને સાંસદ સુધી ભાજપને મત આપ્યા, પરંતુ વચનો સિવાય કોઈ વિકાસ થયો નથી.

ગામલોકોએ તંત્ર પર આક્ષેપ કર્યો કે જ્યારે સરકાર સમુદ્રમાં પુલ બનાવી શકે છે, ત્યારે આ ગરીબ આદિવાસી ગામને રસ્તાની મૂળભૂત સુવિધા કેમ નથી આપવામાં આવતી? તેઓએ આગામી દિવસોમાં તાલુકા પંચાયત અને પંચાયત માર્ગ-મકાન વિભાગની કચેરીઓમાં હલ્લાબોલ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. 

આ સમાચાર શેર કરો