Video: બોકડિયા ગામના ગ્રામજનોની નદી પર પુલ માટે માંગણી, અનેક વખત રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
છોટાઉદેપુર તાલુકાના છેવાડા ગામ બોકડિયામાં ગામ વચ્ચેથી નદી વહેતી
છોટાઉદેપુર તાલુકાના છેવાડા ગામ બોકડિયામાં ગામ વચ્ચેથી નદી વહેતી હોવાથી ગામ બે ભાગમાં વહેચાઈ જાય છે. જેને લઇ ગ્રામજનોને ચોમાસાના ચાર મહિના ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. કાનસ ફળિયા, ઉજળિયા ફળિયું, પટેલ ફળિયું, ભાવરીયા અને નવા પટેલ ફળિયા જેવા પાંચ ફળિયામાં 3,500થી વધુ વસ્તી વસે છે. નદીની એક બાજુ પ્રાથમિક શાળા આવેલી હોવાથી બાળકો શિક્ષણથી વંચિત રહે છે. બીમાર પડે તો 108 એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી. દર્દીઓને ઝોલીમાં ભરીને લઈ જવું પડે છે. ખેડૂતોને પાકની ઉત્પાદનો વેચવા માટે માથા પર ભાર ઊંચકી નદી પાર કરવી પડે છે.
પંચાયત માર્ગ મકાન વિભાગના અધીકારીઓ ગામની મુલાકાત લઈ ફોટા પાડીને જતા રહે છે, પછી પાછું વળીને જોતા જ નથી. અનેક વખત નદી ઉપર પુલ બનાવવા માટે જિલ્લાના અધિકારીઓને રજૂઆત કરી છે પરંતુ કોઈ સાંભળતું નથી
દર વખતે ચૂંટણી પ્રચારમાં આવતા નેતાઓ ચૂંટણીમાં વાયદા કરી અને મત લઇને ગયા પછી પાછું વળીને અમારી બાજુ જોતા નથી. જેને લઇ આદિવાસી વિસ્તારમાં લોકોને હાડમારીનો સામનો કરવો પડે છે. વખતો વખત સાંસદ ધારાસભ્ય ને રજૂઆત કરી છે પરંતુ નેતાઓ પુલ બનાવી આપતા નથી જેના લીધે આગામી ચૂંટણીઓમાં ગામમાં કોઈ પણ નેતા ને પ્રવેશવા દેવામાં નહિ આવે તેવી ગ્રામજનો એ ચીમકી ઉચ્ચારી છે




