મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ Surendranagarમાં મોટું કૌભાંડ? જપ્ત કરાયેલું ટનબંધ પ્લાસ્ટિક પાછલે બારણે ગાયબ!

સુરેન્દ્રનગર શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સક્રિય થયેલી મહાનગરપાલિકાની સેનિટેશન શાખા ફરી

સુરેન્દ્રનગર શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સક્રિય થયેલી મહાનગરપાલિકાની સેનિટેશન શાખા ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. વેપારીઓ પાસેથી કડક હાથે જપ્ત કરવામાં આવેલો પ્લાસ્ટિકનો જથ્થો પાલિકાના સ્ટોકમાંથી જ ગુમ થઈ જતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

શું છે સમગ્ર મામલો?

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. આ ડ્રાઇવ દરમિયાન નાના-મોટા વેપારીઓ પાસેથી ટનબંધ પ્લાસ્ટિક જપ્ત કરી તેને સેનિટેશન વિભાગના કબજામાં રાખવામાં આવ્યું હતું. જોકે, આશ્ચર્યની વાત એ છે કે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે આ જપ્ત થયેલો જથ્થો રેકોર્ડ મુજબ જોવા મળ્યો નથી.

અધિકારીઓ અજાણ: જે વિભાગની જવાબદારી જપ્ત કરેલો મુદ્દામાલ સાચવવાની છે, તે જ વિભાગના અધિકારીઓને ખબર નથી કે પ્લાસ્ટિકનો જથ્થો ક્યાં ગયો.

વહીવટની શંકા: એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે સેનિટેશન વિભાગના અધિકારીઓએ જપ્ત કરેલા પ્લાસ્ટિકનો 'વહીવટ' કરી તેને બારોબાર સગેવગે કરી નાખ્યો છે.

કમિશનરની લાલ આંખ: જપ્ત કરાયેલા જથ્થામાં અને સ્ટોક રજીસ્ટરમાં વિસંગતતા જણાતા મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક અસરથી વિગતો મંગાવી છે.

"વેપારીઓને દંડ કરી પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું, પણ હવે એ જ પ્લાસ્ટિક પાલિકાના ભંડારમાંથી ગાયબ છે. આ સીધો ભ્રષ્ટાચારનો મામલો જણાય છે."

ખોટા સ્ટોકપત્ર રજૂ કરી કમિશનરને છેતરવાનો પ્રયાસ?

સૂત્રોના જણાવ્યા અનુસાર, કમિશનર સમક્ષ જે સ્ટોકપત્ર રજૂ કરવામાં આવ્યો હતો તેમાં આંકડાકીય માયાજાળ હોવાની શંકા છે. કમિશનરને શંકા જતાં તેમણે ઊંડાણપૂર્વક તપાસના આદેશ આપ્યા છે. જો આ તપાસ તટસ્થ રીતે થશે, તો સેનિટેશન વિભાગના અનેક મોટા માથાંઓ આ કૌભાંડમાં ફસાઈ શકે છે.

હાલ તો શહેરમાં એ જ ચર્ચા છે કે સામાન્ય જનતા અને વેપારીઓને કાયદાનો પાઠ ભણાવતી મહાનગરપાલિકાના પોતાના જ અધિકારીઓ કાયદાની વિરુદ્ધ જઈને મુદ્દામાલની હેરાફેરીમાં વ્યસ્ત છે.

આ સમાચાર શેર કરો