મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ ભવનાથના મેળાનો આજે અંતિમ પડાવ, મધ્યરાત્રિએ નીકળશે શાહી રવેડી; પ્રથમવાર રૂટમાં કરાયો વધારો

જૂનાગઢ: ગિરનારની ગોદમાં યોજાયેલા મિની કુંભ સમાન મહાશિવરાત્રીના મે

જૂનાગઢ: ગિરનારની ગોદમાં યોજાયેલા મિની કુંભ સમાન મહાશિવરાત્રીના મેળાનો આજે અંતિમ અને સૌથી મહત્વનો દિવસ છે. ભવનાથ તળેટી આજે લાખો શ્રદ્ધાળુઓથી ખીચોખીચ ભરાઈ ગઈ છે. શિવરાત્રીના પાવન પર્વે આજે મધ્યરાત્રિએ નીકળનારી નાગા સાધુઓની શાહી રવેડી અને મૃગી કુંડમાં શાહી સ્નાન આ મેળાનું મુખ્ય આકર્ષણ રહેશે.

પ્રથમવાર રવેડીનો રૂટ લંબાવાયો

આ વર્ષે શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. નાગા સાધુઓની રવેડીનો પરંપરાગત રૂટ જે અત્યાર સુધી 1.5 કિલોમીટરનો હતો, તેમાં 500 મીટરનો વધારો કરવામાં આવ્યો છે. હવે રવેડી કુલ 2 કિલોમીટર લાંબા રૂટ પર નીકળશે, જેથી વધુમાં વધુ ભક્તો નાગા સાધુઓના દર્શન કરી શકે અને ગિરદીને નિયંત્રિત કરી શકાય.

ભવનાથ મંદિરે ભક્તોનું મહેરામણ

વહેલી સવારથી જ ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે યાત્રિકોની કિલોમીટર લાંબી કતારો જોવા મળી રહી છે. હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદથી સમગ્ર તળેટી ગુંજી ઉઠી છે. મેળાના અંતિમ દિવસે વહીવટી અધિકારીઓએ પણ મહાદેવના શરણે શીશ ઝુકાવ્યું હતું. ભવનાથ મંદિરના વહીવટદાર અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ તેમજ જૂનાગઢ સિટી ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ સપરિવાર સવારની પૂજા-આરતી કરી ધન્યતા અનુભવી હતી.

રાત્રિએ નીકળશે શાહી રવેડી

મહાશિવરાત્રીની આખી રાત તળેટીમાં 'શિવમય' માહોલ રહેશે. વિવિધ અખાડાના સાધુ-સંતો શંખનાદ અને શસ્ત્ર કરતબ સાથે રવેડીમાં જોડાશે. આ રવેડી ભવનાથ મંદિર પહોંચશે, જ્યાં સાધુઓ મૃગી કુંડમાં શાહી સ્નાન કરશે. એવી માન્યતા છે કે આ કુંડમાં સ્નાન કરવા માટે સ્વયં અશ્વત્થામા અને સિદ્ધ પુરુષો અદ્રશ્ય સ્વરૂપે આવે છે.

આજે રાત્રે નાગા સાધુઓના દર્શન કરી શ્રદ્ધાળુઓ મેળાની પૂર્ણાહુતિ કરશે. ભીડને જોતા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો