Video: Suratની રાયન ઇન્ટરનેશનલ સ્કૂલની ખખડધજ બસો, વિદ્યાર્થીઓની સુરક્ષા સામે જોખમ, વાલીઓનો રોષ
સુરતના ડુમસ રોડ પર આવેલી CBSE શાળા રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ (Ryan
સુરતના ડુમસ રોડ પર આવેલી CBSE શાળા રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ (Ryan International School) ના વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. શાળાની ટ્રાન્સપોર્ટ બસોની ખરાબ હાલતને કારણે વાલીઓમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે, જ્યારે શાળા સંચાલકો તરફથી કોઈ નક્કર નિરાકરણ લાવવામાં આવ્યું નથી.
વાલીઓ દ્વારા બસ સુવિધા માટે શાળાને વાર્ષિક ₹ 37000 જેટલી મોટી રકમ અલગથી ચૂકવવામાં આવે છે, તેમ છતાં વિદ્યાર્થીઓને ખખડધજ અને જોખમી બસોમાં મુસાફરી કરવી પડે છે. વાલીઓની ફરિયાદ છે કે બસોની કન્ડિશન વિદ્યાર્થીઓ માટે જોખમી છે.
ખખડધજ બસોની સ્થિતિ
ઘણી બસોમાં ફિટનેસ સર્ટિફિકેટ (Fitness Certificate ) પણ નથી. બસો ગમે ત્યારે રસ્તામાં બંધ થઈ જાય છે અને તેમાં આગ લાગવાનો ભય પણ રહે છે. અનેક બસોમાં બારીના ગ્લાસ અને બારીઓ પણ નથી, જે વિદ્યાર્થીઓની સુરક્ષા સામે મોટો ખતરો છે. વાલીઓ છેલ્લા ત્રણ વર્ષથી આ બાબતે ફરિયાદ કરી રહ્યા છે, પરંતુ સ્કૂલ દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી.
વાલીઓની રજૂઆત અને પ્રિન્સિપાલનો ઉડાવ જવાબ
ચાઈલ્ડ હેલ્પ ડિપાર્ટમેન્ટ શાળાની મુલાકાતે આવ્યું ત્યારે વાલીઓને પ્રિન્સિપાલની ઓફિસમાં રજૂઆત કરવા જવા મળ્યું હતું. પ્રિન્સિપાલ સમક્ષ વાલીઓએ પોતાનો રોષ ઠાલવ્યો હતો, પરંતુ આચાર્ય તરફથી વાલીઓને ઉડાવ જવાબ મળ્યા હતા. વાલીઓએ જણાવ્યું કે મસમોટી ફી ભરવા છતાં તેમના બાળકોને સુરક્ષા મળી રહી નથી.
જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ?
વાલીઓએ એક ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, શાળા દ્વારા બસની ફી લેવા છતાં એક પણ બસ પર શાળાનું નામ લખવામાં આવતું નથી. વાલીઓનો આરોપ છે કે, "કોઈપણ પ્રકારની બસમાં દુર્ઘટના થાય તો શાળા જવાબદારીમાંથી છટકી શકે તે માટે બસ પર નામ લખવામાં આવતું નથી."
વિદ્યાર્થીઓની સુરક્ષા માટે શાળા અને ટ્રાન્સપોર્ટર બંનેમાંથી કોઈ પણ પ્રકારની જવાબદારી લેવા તૈયાર ન હોવાથી વાલીઓએ આ અંગે ડીડીઓ (DDO)માં પણ રજૂઆત કરી છે અને તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવાની માંગ કરી છે.







