મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ પાટડીમાં આવારા તત્વો બેફામ, જાહેરમાં વેપારીઓને છરી બતાવી ધમકીઓ આપી

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.  સ્થાનિક બજારમાં આવારા તત્વો બેફામ બન્યા છે અને જાહેરમાં વેપારીઓને ડરાવી-ધમકાવીને દંગલ મચાવી રહ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે અને પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

જાહેરમાં શસ્ત્રો બતાવી ધમકી

સૌથી ગંભીર બાબત એ છે કે આ આવારા તત્વો જાહેરમાં છરી જેવા તીક્ષ્ણ શસ્ત્રો બતાવીને વેપારીઓને ધમકીઓ આપી રહ્યા છે. એક તરફ જિલ્લામાં હથિયારબંધીનો કાયદો લાગુ છે, તેમ છતાં પાટડીમાં આવા તત્વો બેરોકટોક શસ્ત્રો લઈને ફરી રહ્યા છે અને કાયદાનો તેમને જરાય ડર નથી.

સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ, આવારા તત્વોના સતત ત્રાસ અને ધમકીઓને કારણે તેમને બજારમાં ધંધો કરવો મુશ્કેલ બની ગયો છે. શાંતિપૂર્ણ રીતે પોતાનો વેપાર કરી રહેલા વેપારીઓને સતત ડર હેઠળ જીવવું પડી રહ્યું છે.

ખાખીનો ખોફ ઉડ્યો

આ સમગ્ર ઘટનાએ સુરેન્દ્રનગર પોલીસની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે. સ્થાનિક નાગરિકો અને વેપારીઓનો આક્ષેપ છે કે જાહેરમાં આ રીતે હથિયારો બતાવીને દાદાગીરી કરતા તત્વો સામે પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે આવારા તત્વો વધુ બેફામ બન્યા છે અને જાણે તેમને પોલીસનો કોઈ ડર જ ન હોય  તેવી સ્થિતિ ઊભી થઈ છે.

કડક કાર્યવાહીની માંગ

પાટડીના વેપારીઓ અને નાગરિકોએ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ આ આવારા તત્વો પર તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. વેપારીઓ ઈચ્છે છે કે પોલીસ આ તત્વોને પકડીને કાયદાનું ભાન કરાવે જેથી તેઓ બજારમાં શાંતિથી અને નિર્ભય બનીને પોતાનો વ્યવસાય કરી શકે. જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો વેપારીઓ વધુ મોટા પગલાં લેવાની ચીમકી પણ આપી રહ્યા છે.

આ સમાચાર શેર કરો