મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સિતપુર ખાતે બે બાળકોની તબિયત લથડવાનો મામલો, ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા તબીબ સામે ફરિયાદ

ડભોઈ તાલુકાના સિતપુર ગામના બે બાળકોની સીરપ પીધા બાદ તબિયત લથડવાના ગંભીર બનાવમાં આરો

ડભોઈ તાલુકાના સિતપુર ગામના બે બાળકોની સીરપ પીધા બાદ  તબિયત લથડવાના ગંભીર બનાવમાં આરોગ્ય વિભાગે સક્રિયતા દાખવી ગેરકાયદેસર પ્રેક્ટિસ કરનારા તબીબ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગતરોજ 14 ઓક્ટોબરના રોજ દિવસભર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેના અંતે ધરમપુરી ગામે 'વારાહી ક્લિનિક' ચલાવતા ડૉ. અશ્વિન ગૌરીશંકર પનોત સામે કાર્યવાહી કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ તબીબ ગેરકાયદેસર ક્લિનિક ચલાવતા હતા અને તેઓ માત્ર ધોરણ 12 પાસ કર્યા બાદ સર્ટિફિકેટ મેળવીને છેલ્લા 10 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા.

ડભોઈ તાલુકાના ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર દ્વારા ડૉ. અશ્વિન પનોત સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં મુખ્યત્વે એ બાબતનો ઉલ્લેખ છે કે, જે સીરપ 7 વર્ષ કરતાં મોટી ઉંમરના બાળકોને આપવાની હોય છે, તે સીરપ તબીબે 6 વર્ષથી નાના બાળકને આપી દીધી હતી, જેના કારણે બંને બાળકોની તબિયત લથડી હતી.

સંતોષની વાત એ છે કે, સારવાર બાદ બંને બાળકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને તેમની તબિયત હાલમાં સ્થિર છે. આરોગ્ય વિભાગની ફરિયાદના આધારે ડભોઈ પોલીસે ડૉ. અશ્વિન ગૌરીશંકર પનોત સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો