VIDEO: નિકોલમાં PCR વાન ચાલકે જ સર્જયો અકસ્માત, રાહદારીઓને લીધા અડફેટે
અમદાવાદમાં વધુ એક માર્ગ અકસ્માતની દુ્ર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદના નિકો


અમદાવાદમાં વધુ એક માર્ગ અકસ્માતની દુ્ર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદના નિકોલ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવતી PCR વાનના ચાલકે જ અકસ્માત સર્જ્યો હતો.
PCR વાને રાહદારીઓને અડફેટે લીધા
આઉટસોર્સિંગ કર્મચારી દ્વારા ચલાવવામાં આવતી આ PCR વાને રાહદારીઓને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.ઘટના બાદ રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ ગાડી રોકી ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. હાજર લોકોનો ગંભીર આક્ષેપ છે કે PCR ચાલક નશાની હાલતમાં ગાડી ચલાવી રહ્યો હતો. તો બીજી તરફ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
નશામાં ધૂત ચાલક અને દારૂની મહેફિલ
સ્થાનિકો જ્યારે વાન પાસે પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે, વાનચાલક એટલી હદે નશામાં હતો કે તે ભાનમાં પણ નહોતો. ચોંકાવનારી વાત તો એ છે કે, જે વાન મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત છે, તેની અંદરથી દારૂની બોટલ અને દારૂ ભરેલો ગ્લાસ મળી આવ્યો હતો. પોલીસની જ ગાડીમાં દારૂની બોટલો જોઈને હાજર રહેલા લોકો ભારે રોષે ભરાયા હતા અને હોબાળો મચાવ્યો હતો.
પોલીસની કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ નિકોલ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે સ્થિતિ થાળે પાડી નશામાં ધૂત ચાલકની અટકાયત કરી તેને પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ વાન નિકોલ પોલીસ સ્ટેશનની SHE ટીમની છે, પરંતુ તેનો ચાલક પોલીસકર્મીને બદલે આઉટ સોર્સિંગ (કોન્ટ્રાક્ટ) દ્વારા લેવામાં આવેલો ડ્રાઈવર છે.






