Video: રાજુલા-જાફરાબાદના ખેડૂતોને સહાય પેકેજમાં અન્યાય, કોંગ્રેસના ટીકુ વરૂનો આક્ષેપ
અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને ખાંભા તાલુકાના ખેડૂતોને 2024
અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને ખાંભા તાલુકાના ખેડૂતોને 2024ના સહાય પેકેજમાં અન્યાય થયો હોવાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસના આગેવાન ટીકુ વરૂએ રાજ્ય સરકાર પર લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, સરકારે 2024માં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટે જાહેર કરેલા રાહત પેકેજમાં માત્ર કપાસના પાકનો સમાવેશ કર્યો છે, જ્યારે મગફળી અને સોયાબીન જેવા અન્ય પાકોને થયેલા નુકસાનને અવગણવામાં આવ્યું છે. આ ઉપરાંત, રાજુલાના 20 ગામો, જાફરાબાદના 8 ગામો અને ખાંભાના 6 ગામોનો સહાય પેકેજમાં સમાવેશ થયો નથી, જેના કારણે આ વિસ્તારના ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.
વરૂએ આક્ષેપ કર્યો કે, અમરેલી તાલુકાના 72 ગામોમાંથી 68 ગામોનો સમાવેશ થયો છે, પરંતુ રાજુલા અને જાફરાબાદના ઘણા ગામોને બાકાત રાખવામાં આવ્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે, જ્યાં એક ગામની બાજુમાં અડધો કિલોમીટર દૂર આવેલું બીજું ગામ હોવા છતાં તેનો સમાવેશ કેમ નથી? આ ઉપરાંત, રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીના ભાઈ પરસોતમભાઈ સોલંકી આ વિસ્તારના પ્રભારી હોવા છતાં ખેડૂતોને ન્યાય ન મળ્યો.
ટીકુ વરૂએ માંગ કરી કે, સરકારે તમામ પાકોના નુકસાનનો સમાવેશ કરી, પારદર્શક સરવેની માહિતી જાહેર કરવી જોઈએ, જેથી ખેડૂતોને યોગ્ય વળતર મળે.






