મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ 'હાઇકોર્ટનો નિર્ણય ખોટો, ન્યાય માટે સુપ્રીમ કોર્ટમાં જઈશું': 850 વર્ષ જૂની પરંપરાને લઈ દાંતાના રાજવીનો હૂંકાર

શક્તિપીઠ અંબાજી અને દાંતા સ્ટેટના રાજવી પરિવાર વચ્ચે આસો સુદ આઠમની પૂજાને લઈને ચાલી રહેલા વિવ

તસવીર: gstv

શક્તિપીઠ અંબાજી અને દાંતા સ્ટેટના રાજવી પરિવાર વચ્ચે આસો સુદ આઠમની પૂજાને લઈને ચાલી રહેલા વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. હાઈકોર્ટના તાજેતરના નિર્ણય બાદ દાંતાના રાજવી રિદ્ધિરાજસિંહજીએ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ લડાઈ માત્ર એક પરિવારની નથી, પણ સનાતન ધર્મની પરંપરા અને આસ્થાની છે.

"ન્યાય માટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવીશું"

હાઈકોર્ટના નિર્ણયને પડકારતા રાજવી રિદ્ધિરાજસિંહજીએ જણાવ્યું કે, "હાઈકોર્ટનો આ નિર્ણય અમને સ્વીકાર્ય નથી. અમે હાલ આ ચુકાદાનું ઝીણવટભર્યું અધ્યયન કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં ડબલ બેંચમાં અપીલ કરીશું. જો જરૂર પડશે તો ન્યાય મેળવવા માટે અમે સુપ્રીમ કોર્ટ સુધી જવાની પણ તૈયારી રાખી છે."

850 વર્ષ જૂની પરંપરા પર સંકટ

રાજવીએ પરંપરાનું મહત્ત્વ સમજાવતા કહ્યું કે, દાંતા રાજવી પરિવાર દ્વારા કરવામાં આવતી આઠમની પૂજા છેલ્લા 850 વર્ષથી વધુ સમયથી અવિરત ચાલી આવે છે. આ હવનની શરૂઆત વિક્રમ સંવત 111 માં થઈ હતી અને છેલ્લા 40 પેઢીઓથી આ વિધિ નિભાવવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે, "અમારા પૂર્વજોએ આ મંદિર અને ધર્મ માટે બલિદાન આપ્યા છે. વર્ષમાં માત્ર એક જ વાર અમે પરિવાર સાથે પૂજા કરવા જઈએ છીએ, જેમાં સર્વ સમાજના લોકો જોડાય છે."

વકીલના નિવેદન અને તંત્ર સામે આકરા પ્રહારો

કોર્ટમાં વકીલ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે મહારાજા રૂમમાં બેસીને પૂજા કરે, જેના પર રાજવીએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, "ત્રણ લોકોએ હસી-મજાકમાં કોર્ટમાં આ નિર્ણય લઈ લીધો હોય તેવું લાગે છે. આસ્થા કોઈ બંધ રૂમમાં સીમિત નથી હોતી. જ્યારે અમે પૂજા કરીએ છીએ ત્યારે મંદિર ક્યારેય બંધ રાખતા નથી, તો પછી અમને કેમ રોકવામાં આવે છે?"

હિન્દુત્વ સરકારને અપીલ અને આંદોલનની ચીમકી

રાજવીએ સરકારને આડે હાથ લેતા કહ્યું કે, "પોતાને હિન્દુત્વની સરકાર કહેતી આ સરકારમાં હિન્દુ ધર્મની પરંપરાઓ પર પ્રતિબંધ ન મૂકવો જોઈએ." તેમણે વધુમાં જણાવ્યું કે પ્રક્ષાલન વિધિ કે નાગર બ્રાહ્મણોની રાત્રિ પૂજા વખતે મંદિર બંધ રખાય છે અને VIP લોકો આવે છે ત્યારે પણ મંદિર બંધ રાખવામાં આવે છે. પરંતુ અમારી પૂજા દિવસે અને ખુલ્લા મંદિરમાં હોવા છતાં ભેદભાવ કેમ?

હાલ અમે સમજાવટથી મામલો શાંત પાડવા ઈચ્છીએ છીએ, પરંતુ જો પરંપરા તોડવાનો પ્રયાસ થશે તો રસ્તા પર ઉતરીને લડવા પણ તૈયાર છીએ.

સર્વ સમાજનો ટેકો

દાંતા રાજવીના આ સ્ટેન્ડને પગલે સમગ્ર બનાસકાંઠાના હિન્દુ સમાજમાં ગણગણાટ શરૂ થયો છે. રાજવીનો દાવો છે કે તેમની સાથે તમામ સમાજના લોકો જોડાયેલા છે, કારણ કે આ માત્ર એક રાજાની નહીં પણ સમગ્ર પંથકની આસ્થાનો વિષય છે.

આ સમાચાર શેર કરો