મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અહીં વરરાજા ઘોડે ચઢીને જાન લઇને જતા કે આવતા નથી, નણંદ-ભાભી ફરે છે મંગલ ફેરા...જાણો અનોખી પરંપરા

છોટા ઉદેપુર

છોટા ઉદેપુર જિલ્લાનું અંબાલા ગામ અનોખું ગામ છે. આ ગામની અનોખી પરંપરાને કારણે તેણે પોતાની અલગ ઓળખાણ બનાવી છે. આ ગામમાં આજદિન સુધી કોઈ વરરાજા ઘોડે ચઢીને જાન લઇને ગયા નથી, કે વરરાજા જાન લઇને પરણવા આવ્યા નથી. તેનો અર્થ એ નથી કે, આ ગામનાં લોકો લગ્ન કરતાં  નથી, પરંતુ આ ગામની સદીઓ જૂની પરંપરા ખૂબ જ વિશિષ્ટ છે. અહીં વરરાજાની કુંવારી બહેન જ જાન લઇને આવે છે, અને જાન લઈને  પરણવા જાય છે, અને નણંદ-ભાભી સાથે મળીને મંગલ ફેરા ફરી લગ્નવિધિ પૂર્ણ કરવામાં આવે છે.

અંબાલા ગામમાં સદીઓથી ચાલી આવતી આ પરંપરાની પાછળ ધાર્મિક માન્યતા જોડાયેલી છે. માન્યતા મુજબ, ગામના દેવ “બાબા ભરમાં દેવ” અન્ય લોકોના લગ્ન કરાવતા રહ્યા, પરંતુ પોતે કુંવારા જ રહ્યા. અને સદીઓ પહેલા ગામ દેવના આ ત્યાગના માનમાં ગામલોકોએ વર્ષો પહેલા નક્કી કર્યું કે ગામમાંથી કોઈ વરરાજા ઘોડે ચઢીને જાન લઇને નહીં જાય, અને કોઈ વરરાજા જાન લઇને પરણવા પણ નહીં આવે. અને આ પરંપરા સદીઓ બાદ આજે પણ નિભાવતા પરંપરા મુજબ, વરરાજાની કુંવારી બહેન માથે પાટી મુકી જાન લઇને પરણવા આવે છે અને જાન લઈને પરણવા  જાય છે. લગ્નવિધિ દરમિયાન નણંદ અને ભાભી મળીને મંગલ ફેરા ફરે છે. મંગલ ફેરા પૂર્ણ થયા બાદ, કન્યાને વરરાજાના ઘરે લઇ જવામાં આવે છે, જ્યાં ફરીથી લગ્નવિધિ કરીને દંપતીને વૈવાહિક બંધનમાં બાંધવામાં આવે છે.

અહીં દર્શાવેલા વીડિયોમાં અંબાલા ગામના સુરસીંગ રાઠવાના લગ્ન જોવા મળે છે. વરરાજા જણાવ્યું હતુ કે, આ પરંપરા અમારા ગામના લોકો આજે પણ અડગ રીતે નિભાવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.

કહેવાય છે કે ભૂતકાળમાં બે વરરાજા ઘોડે ચઢીને જાન લઇને ગયા હતા, પરંતુ તેમનું લગ્નજીવન સફળ રહ્યું નહોતું. ત્યારથી ગામલોકો આ પરંપરાનું કડક પાલન કરે છે. અને ભવિષ્ય માં પણ નિભાવશે.

આ સમાચાર શેર કરો