Video/ FISS ક્રોપ મીટ: મસાલા પાકોના ઉત્પાદનમાં 5% થી 13% સુધીના ઘટાડાની આશંકા
મહેસાણા/અમદાવાદ: ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઈસીસ સ્ટેકહોલ્ડર્સ (FISS) દ્વારા અમદાવાદ ખાતે યોજાય
મહેસાણા/અમદાવાદ: ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઈસીસ સ્ટેકહોલ્ડર્સ (FISS) દ્વારા અમદાવાદ ખાતે યોજાયેલી વાર્ષિક ક્રોપ મીટમાં મસાલા પાકોને લઈને ચોંકાવનારા આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે જીરું, વરિયાળી અને ધાણા જેવા મુખ્ય મસાલા પાકોના ઉત્પાદનમાં ગત વર્ષની સરખામણીએ મોટો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સર્વેના ચોંકાવનારા આંકડા
દાંતીવાડા એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને એક્સપર્ટ ટ્રેડર્સ દ્વારા હાથ ધરાયેલા સર્વે મુજબ, મુખ્ય પાકોના ઉત્પાદનનો અંદાજ નીચે મુજબ છે:
જીરું: ઉત્પાદન આશરે 93 લાખ બોરી રહેવાનો અંદાજ છે, જે ગત વર્ષ કરતા 5% ઓછું છે.
વરિયાળી: ઉત્પાદનમાં 10% નો ઘટાડો જોવા મળ્યો છે, અંદાજે 18 લાખ બોરી ઉત્પાદન થઈ શકે છે.
ધાણા: સૌથી વધુ 13% નો ઘટાડો નોંધાયો છે, જેનું ઉત્પાદન અંદાજે 96 લાખ બોરી રહેવાની શક્યતા છે.
મેથી: ઉત્પાદન આશરે 15 લાખ બોરી રહેવાનો અંદાજ છે, જેમાં 11% નો ઘટાડો છે.
10 રાજ્યોના પ્રતિનિધિઓની હાજરી
આ એન્યુઅલ મીટિંગમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના રાજ્યો સહિત કુલ 10 જેટલા રાજ્યોના ડેલીગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં મસાલા પાકોના ઉત્પાદન અને નવી ટેકનોલોજી અંગે ગહન ચર્ચાઓ કરવામાં આવી હતી.
FISS ના ચેરમેન તેજસ ગાંધીએ જણાવ્યું હતું કે, બદલાતા વાતાવરણ અને અન્ય પરિબળોને કારણે આ વર્ષે ઉત્પાદન પર અસર જોવા મળી રહી છે, જેની સીધી અસર આગામી સમયમાં બજારના ભાવો પર પણ પડી શકે છે.








