Video/ ડાંગના વઘઇમાં ₹14 લાખના ખર્ચે ખરીદાયેલા ડસ્ટબિન માત્ર 'ચોપડે', તાલુકા પંચાયત પ્રમુખે તપાસના આદેશ આપ્યા
ડાંગ જિલ્લાની વઘઇ તાલુકા પંચાયતમાં 15મા નાણાં પંચની યોજના હેઠળ કચરાના ન
ડાંગ જિલ્લાની વઘઇ તાલુકા પંચાયતમાં 15મા નાણાં પંચની યોજના હેઠળ કચરાના નિકાલ માટે ડસ્ટબિનની ખરીદીમાં ગંભીર ગેરરીતિ અને કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપો થયા છે. લાખો રૂપિયાના ખર્ચે ખરીદવામાં આવેલા ડસ્ટબિન હકીકતમાં જોવા મળતા ન હોવાને કારણે હાલના તાલુકા પંચાયત પ્રમુખે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
₹14 લાખની ગ્રાન્ટ, ડસ્ટબિન ગાયબ
પ્રાપ્ત માહિતી મુજબ, વઘઇ તાલુકા પંચાયતમાં 15મા નાણાં પંચ અંતર્ગત ડસ્ટબિન ખરીદી માટે તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી (TDO) અને પ્રમુખે પોતાની મનપસંદ એજન્સીને ઇજારો સોંપ્યો હોવાના આક્ષેપો થયા છે. તાલુકાની કુલ 14 ગ્રામ પંચાયતમાં ડસ્ટબિનના કામ માટે એક ગામ દીઠ ₹1,00,000 ની રકમ ફાળવવામાં આવી હતી. એટલે કે, કુલ ₹14 લાખનું માતબર ચૂકવણું એજન્સીને કરી દેવાયું છે.
ગેરરીતિનો આક્ષેપ
તત્કાલીન અધિકારીએ સરપંચોની જાણ બહાર ગ્રુપ ગ્રામ પંચાયતની કચેરીઓમાં ડસ્ટબિન ઉતારી દીધા હતા અને એજન્સીને ચૂકવણું પણ કરી દીધું હતું. આટલી મોટી રકમ ખર્ચવામાં આવી હોવા છતાં, આજે પંચાયત કચેરીઓમાં આ યોજનાના ડસ્ટબિન માત્ર સરકારી ચોપડે જ જોવા મળી રહ્યા છે, હકીકતમાં સ્થળ પર જોવા મળતા નથી.
હાલના પ્રમુખ અને TDO દ્વારા તપાસના આદેશ
આ ગંભીર મામલો બહાર આવતા હાલના વઘઇ તાલુકા પંચાયત પ્રમુખે તાત્કાલિક પગલાં લેવા માટે સૂચના આપી છે. તાલુકા વિકાસ અધિકારી વિવેક ટેલરે પણ આ મામલે તાપસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે આશ્વાસન આપ્યું છે. ડસ્ટબિન કૌભાંડની તપાસ બાદ તત્કાલીન અધિકારીઓ અને એજન્સી સામે કેવા પગલાં લેવાય છે, તેના પર સૌની નજર રહેલી છે.








