100 કરોડના કેનાલ કામમાં માટી ખનનનો વિવાદ: રામપુરામાં કથિત ગેરકાયદે ખોદકામ, ઉચ્ચસ્તરીય તપાસની માંગ

વાવ તાલુકાના રામપુરા ગામની સીમમાં કોઈપણ પ્રકારની કાયદેસરની સરકારી મંજૂરી કે પરવાનગી વિના કરોડો રૂપિયાની માટીનું બેફામ ખનન અને હેરાફેરી ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. દેવપુરાથી સુઈગામ પસાર થતી કેનાલના 100 કરોડના કામકાજ દરમિયાન જે સ્થળેથી માટીની ખનન ચોરી થઈ હોવાનું કહેવાય છે, ત્યાં રાજકીય આકાઓની સંડોવણી અંગે ચર્ચાઓ જાગી છે.
મૌખિક સૂચનાના આધારે ખોદકામનો દાવો
આ મામલે રામપુરા સરપંચ પરિવારજનો સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં એવી વિગતો સામે આવી છે કે દેવપુરાથી સુઈગામ સુધીની કેનાલની કામગીરી વર્ષોથી અધૂરી હોવાથી આ ખોદકામ કરાઈ રહ્યું છે અને તે સ્થાનિક મંત્રી તથા વાવના ધારાસભ્યના મૌખિક સૂચનથી થઈ રહ્યું છે. જોકે, લેખિત મંજૂરી કે સરકારી તિજોરીમાં નિયત ભરણું ભર્યા વિના થતા ખોદકામથી રોયલ્ટી અને ભરણાનું સીધું નુકસાન થઈ રહ્યું હોવાનો મુદ્દો ઉઠ્યો છે.
નિયમો અને જવાબદારી પર સવાલ
સરહદી પંથકમાં એવી ચર્ચા ચાલી રહી છે કે સામાન્ય નાગરિક કે ખેડૂત પરવાનગી વગર એક ટ્રોલી માટી લઈ જાય તો પણ ગુનો બને છે, ત્યારે કરોડો રૂપિયાની માટીના ખનન પાછળ કોના આશીર્વાદ છે અને કસુરવારો સામે કાર્યવાહી થશે કે કેમ તે અંગે સવાલો થઈ રહ્યા છે.
ખાણ ખનીજ વિભાગનો ઈનકાર અને ઉચ્ચસ્તરીય તપાસની માંગ
આ સમગ્ર મામલે ખાણ ખનીજ વિભાગનો સંપર્ક કરતાં વિભાગીય કચેરી તરફથી કોઈ મંજૂરી અપાઈ ન હોવાનું જણાવાયું હતું અને તપાસ કરવાની વાત કરાઈ હતી, જ્યારે પ્રાંત અધિકારીનો ટેલિફોનિક સંપર્ક થઈ શક્યો ન હતો. હાલ વાવ-થરાદ પંથકમાં 'ખેડૂતોના હિત' ના નામે ચાલી રહેલા ખનન મામલે અધિકારીઓ અને પદાધિકારીઓની ભૂમિકાની નિષ્પક્ષ ઉચ્ચસ્તરીય તપાસ થાય તેવી માંગ સાથે ઉચ્ચ અધિકારીઓના મૌન અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે.












