50 હજાર ઉમેદવારોએ આપી પરીક્ષા, માત્ર 16,887 ક્વોલિફાઈ! TAT HSના પરિણામની તપાસની માગ

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તાજેતરમાં હાયર સેકન્ડરી સ્કૂલોમાં શિક્ષક માટેની ટાટની લાવેયાલી પરીક્ષાના પરિણામોને લઈ ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરીક્ષાર્થીઓ દ્વારા જાહેર કરાયેલા પરિણામ સામે સવાલો ઉઠાવીને થરાદ ખાતે કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. ઉમેદવારો દ્વારા આ પરીક્ષાના પરિણામની નિષ્પક્ષ અને સઘન તપાસ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
TAT HS પરીક્ષામાં 30,754 ઉમેદવારો નાપાસ થયા
ધોરણ 11-12માં શિક્ષક બનવા માટેની ટાટ પરીક્ષામાં પ્રીલિમ પરીક્ષામાં પાસ થયેલા ગુજરાતી માધ્યમના 50,066 ઉમેદવારોમાંથી મેઈન પરીક્ષામાં 47,644 ઉમેદવારો હાજર રહ્યા હતા. મેઈન પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત 6 નવેમ્બરે જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામમાં કુલ 16,887 ઉમેદવારો નિયત કરાયેલ પાસિંગ માર્ક્સ મુજબ ક્વોલિફાઈ થયા હતા. જ્યારે 30,754 ઉમેદવારો નાપાસ થયા હતા.
ઉમેદવારો પરિણામથી નારાજ, ફરી મૂલ્યાંકનની માગ
ઉમેદવારોના જણાવ્યા અનુસાર, આ પરીક્ષામાં યુનિવર્સિટીના ગોલ્ડ મેડાલિસ્ટ, પીએચ.ડી. ધારકો, 15 વર્ષથી વધુનો શૈક્ષણિક અનુભવ ધરાવતા નિષ્ણાંત શિક્ષકો અને પુસ્તકો પ્રકાશિત કરનાર તજજ્ઞો પણ ઉપસ્થિત રહ્યા હતા. છતાં આશ્ચર્યજનક રીતે આવા તેજસ્વી અને લાયકાત ધરાવતા ઉમેદવારોના ગુણ માત્ર 80 થી 110 વચ્ચે જ આવ્યા છે, જે સમગ્ર પરિણામની પારદર્શિતા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે. ઉમેદવારોએ વિરોધ કરતા માગણી કરી છે ફરીવાર મૂલ્યાંકન કરવામાં આવે અને પેપર-1 અને 2 એમ બન્નેના માર્ક્સ જાહેર કરવામાં આવે.
ઉમેદવારોની મુખ્ય માગણીઓ અને રજૂઆતો
ગુણ અને ઉત્તરવહી જાહેર કરો: TAT HS મુખ્ય પરીક્ષામાં ઉમેદવારોએ આપેલ બંને પેપરના ગુણ અલગ-અલગ જાહેર કરવામાં આવે તથા દરેક ઉમેદવારના સીટ નંબર, કન્ફર્મેશન નંબર, કેટેગરી અને વિષયવાર પરિણામનું લિસ્ટ મૂકવામાં આવે. વધુમાં, બંને પેપરની ઓરિજિનલ ઉત્તરવહી (Answer Key) પણ જાહેર કરવામાં આવે.
પ્રશ્નપત્ર અને આન્સર કીની સ્પષ્ટતા: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પેપર-1 (ગુજરાતી ભાષા સજ્જતા) અને પેપર-2ની સત્તાવાર આન્સર કી જાહેર કરવામાં આવે.
આંકડાકીય વિસંગતતા દૂર કરો: પરિણામના જાહેરનામામાં આપવામાં આવેલા આંકડાઓમાં દેખાતી વિસંગતતા દૂર કરી તેનો ખુલાસો આપવામાં આવે.
તપાસનીશોની યોગ્યતા: અભ્યાસક્રમ ધોરણ-11 અને 12નો હોય પરંતુ પ્રશ્નોની કઠિનતા સ્નાતક કે અનુસ્નાતક કક્ષાની હોય, તો તપાસ કરનાર તજજ્ઞો પણ પ્રોફેસર સમકક્ષ છે કે નહીં તેની સ્પષ્ટતા કરવામાં આવે.
મૂલ્યાંકનના માપદંડો: મૂલ્યાંકન માટેના કોઈ ચોક્કસ માપદંડો કે નિયમો જાહેર ન કરાયા હોવાથી તે અંગે સ્પષ્ટ ખુલાસો માગવામાં આવ્યો છે.
પુનઃમૂલ્યાંકન અને વિશ્લેષણ: ઉમેદવારોના પરિણામનું વ્યવસ્થિત પુનઃમૂલ્યાંકન થાય અને પેપર ચકાસણીનું યોગ્ય વિશ્લેષણ થાય તેવી ઉગ્ર માગ છે.
ઉમેદવારો દ્વારા આંદોલનની ચીમકી
અત્યંત મહેનત કર્યા બાદ પણ અપેક્ષિત પરિણામ ન મળવાથી ઉમેદવારોમાં નિરાશા વ્યાપી ગઈ છે. જો આ મામલે ત્વરિત અને નિષ્પક્ષ તપાસ નહીં થાય તો આગામી દિવસોમાં ઉમેદવારો દ્વારા વધુ ઉગ્ર આંદોલનાત્મક પગલાં ભરવામાં આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.













