Video: મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર વીજળી ઉત્પન્ન ન કરીને તે પાણી સીધું ગુજરાતને આપશે, બદલામાં ગુજરાત વીજળી આપશે અથવા પૈસા ચૂકવશે

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના પાણી, વીજળી અને મેન્ટેનન્સ ખર્ચને લઈને ચાર રાજ્યો વચ્ચે છેલ્લા 30 વર્ષથી ચાલતો નાણાકીય વિવાદ આખરે ઉકેલાઈ ગયો છે. એકતાનગર ખાતે કેન્દ્રીય જલશક્તિ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં આ અંગે મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે, જેનાથી આગામી સમયમાં ગુજરાતની પાણીની અછત કાયમી ધોરણે દૂર થવાનો માર્ગ મોકળો થયો છે. ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન વચ્ચે ખર્ચ અને લેણાં અંગે છેલ્લા 30 વર્ષથી ચાલતો વિવાદ ઉકેલી દેવામાં આવ્યો છે. એક તરફ ચાર રાજ્યો વચ્ચે દાયકાઓ જૂનો વિવાદ ઉકેલાયાનો દાવો કરાયો છે અને મધ્યપ્રદેશે બાકી નાણાં ચૂકવ્યાની વાત છે, પરંતુ કેન્દ્રીય જલશક્તિ મંત્રીએ કરેલી સત્તાવાર જાહેરાતમાં ગુજરાતને ચોક્કસપણે કેટલા કરોડ રૂપિયા મળવાના છે કે કયા રાજ્યને કેટલા રૂપિયા ચૂકવવાના બાકી છે, તે અંગે કોઈ ચોક્કસ આંકડાકીય સ્પષ્ટતા કરવામાં આવી નથી. ચારેય રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠકમાં નિર્ણય લેવાયો કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર વીજળી ઉત્પન્ન ન કરીને તે પાણી સીધું ગુજરાતને આપશે. તેના બદલામાં તેમને મળવાપાત્ર વીજળી ખરીદીને અપાશે અથવા તેના પૈસા ચૂકવાશે.













