Ahmedabad news: 6 મહિનામાં કામગીરી પૂર્ણ કરવાની શાસકોની ગુલબાંગો સામે વસ્ત્રાપુર તળાવ 20 મહિનાથી બંધ
અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલા તળાવને રિડેવલપ કરવાના નામે

અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલા તળાવને રિડેવલપ કરવાના નામે વીસ મહીનાથી મુલાકાતીઓ માટે બંધ કરવામા આવ્યુ છે. છ મહીનામા તળાવ ડેવલપ કરવાની કામગીરી પુરી કરાશે એવી ગુલબાંગ સત્તાધીશો દ્વારા હાંકવામાં આવી હતી. વીસ મહીનાથી ચાલતી કામગીરી જાન્યુઆરી-૨૬મા પુરી થવાની સંભાવના વ્યકત કરાઈ છે. તળાવ બંધ રહેતા મુલાકાતીઓ અને સ્થાનિકોની હાલાકીમા વધારો થયો છે.
છ મહીનામાં તળાવના રિડેવલપમેન્ટની કામગીરી પુરી કરાશે એવી જાહેરાત કરાઈ
બોડકદેવ વોર્ડમા આવેલા વસ્ત્રાપુર તળાવને ફેબુ્આરી-૨૦૨૪થી મુલાકાતીઓ માટે બંધ કરવામા આવ્યું એ સમયે છ મહીનામાં તળાવના રિડેવલપમેન્ટની કામગીરી પુરી કરાશે એવી જાહેરાત કરાઈ હતી.જો કે વારંવાર ડિઝાઈનમા ફેરફાર થવાના કારણે સ્કોપ ઓફ વર્કમા વધારો કરવામા આવ્યો હતો.આ કારણથી હજુ સુધી કામગીરી પુરી થઈ શકી નથી.જુલાઈ-૨૦૨૨મા ભારે વરસાદના કારણે વસ્ત્રાપુર તળાવમાં પાંચ મોટા ભુવા પડવાની સાથે પાંચ જગ્યાએ પાળ તૂટી ગઈ હતી.વર્ષ-૨૦૨૨થી ૨૦૨૪ સુધી કોર્પોરેશન તરફથી વસ્ત્રાપુર તળાવમા વખતોવખત નાના મોટા સમારકામની કામગીરી કરાઈ હતી.
તળાવના ડેવલપમેન્ટની ડિઝાઈનમા ફેરફાર કર્યો
૪ ડિસેમ્બર-૨૦૨૩ના રોજ પાણી સમિતિની બેઠકમાં વસ્ત્રાપુર તળાવના રીનોવેશન અને અપગ્રેડેશન માટે રુપિયા ૫.૧૫ કરોડના ખર્ચની દરખાસ્ત મંજૂર કરાઈ હતી.જે પછી તળાવના ડેવલપમેન્ટની ડિઝાઈનમા ફેરફાર કરીને ડેવલપમેન્ટ ખર્ચમાં રુપિયા ત્રણ કરોડનો વધારો કરવામા આવ્યો હતો.૯ ઓગસ્ટ-૨૦૨૪ના રોજ મળેલી પાણી સમિતિની બેઠકમાં તળાવ ડેવલપમેન્ટ ખર્ચમા વધારો કરી રુપિયા ૮.૨ કરોડ કરવા દરખાસ્ત મંજૂર કરાઈ હતી.ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીએ તળાવમા આવેલ એમ્ફી થિયેટરને ડિમોલીશ કરી તેના સ્થાને ફુડ કોર્ટ બનાવવાની રજૂ કરાયેલી દરખાસ્ત રદ કરી હતી.
નોંધપાત્ર બાબત એ છે કે,વર્ષ-૨૦૨૨મા જુલાઈ મહીનામા વસ્ત્રાપુર તળાવને નુકસાન થયુ હતુ.જે પછી દોઢ વર્ષ સુધી કોર્પોરેશન તરફથી આ તળાવમા પડેલા ખાડાઓનુ પુરાણ કરી વોકવે લેવલ કરાયુ હતુ.જે પછી પ્રાથમિક તબકકે રુપિયા પાંચ કરોડના ખર્ચે તળાવની ફરતે આવેલા વોકવે સહીત રીનોવેશન કરવાની દરખાસ્ત મંજૂર કરવામા આવી હતી.ફેબુ્આરી-૨૦૨૪મા કોર્પોરેશને નોટિસ જાહેર કરી આ તળાવને ૨૭ ફેબુ્રઆરી-૨૪થી ૨૭ ઓગસ્ટ-૨૪ સુધી મુલાકાતીઓ માટે બંધ રાખવાની જાહેરાત કરી હતી.કોન્ટ્રાકટર ઉમિયા વિજય ઈન્ફ્રાકોનના રુપિયા ૮.૨ કરોડના રિવાઈઝ ટેન્ડરને મંજૂરી અપાઈ હતી.આ ખર્ચની સાથે એમ્ફી થિયેટરને ડેવલપ કરવા રુપિયા પાંચ કરોડનો ખર્ચ મંજૂર કરાયો હતો.






