વલસાડના 30થી વધુ ગામોમાં મોબાઈલ નેટવર્કની સમસ્યા, ગ્રામજનોની ટાવર લગાવવાની માગ

ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા અને નાના પોંઢા વિસ્તારનાં 30થી વધુ ગામોમાં મોબાઈલ નેટવર્કની ગંભીર સમસ્યા સામે આવી છે. ગામોમાં મોબાઈલ કનેક્ટિવિટી (Mobile Connectivity) ન હોવાને કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાના ઉકેલ માટે મંગળવારે ગ્રામજનોએ જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરીને પૂરતા પ્રમાણમાં મોબાઈલ ટાવર સ્થાપિત કરવાની માગ કરી હતી. ગ્રામજનોએ ધરમપુરના મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું, જે વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાનને સંબોધીને આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું છે કે મોબાઈલ નેટવર્કની અછતને કારણે સ્થાનિક લોકો માટે રોજિંદા જીવનમાં મુશ્કેલીઓ ઊભી થઈ છે. કેટલીક પરિસ્થિતિમાં આ સમસ્યા લોકોના જીવ માટે પણ જોખમી સાબિત થઈ શકે છે.
500 પરિવારો સહિત અનેક ગામો નેટવર્કની સમસ્યાથી પરેશાન
આ સમસ્યાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં એક જ વસાહતના આશરે 500 પરિવારોને મોબાઈલ નેટવર્કની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત કાકડ, કોપર કાજલી, ઘા, વરાણા, ઓઝર, સુખાળા, વેરીભોડા, મણી, ચીજડા, પીપરોણી, મેઘવાળ, રોહિયાળ, તલાટ, વાડી, શિલઢાવર, ચાંદવેગણ, મેઘડા, મટુણિયા અને દિનબારી સહિતનાં ગામોમાં પણ નેટવર્કની સમસ્યા છે. આ ગામો અંતરિયાળ અને પહાડી વિસ્તારોમાં આવેલા હોવાથી અહીં મોબાઈલ ટાવરની સુવિધા પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે. નેટવર્ક ન મળવાને કારણે લોકોને ફોન કરવા કે ફોન રિસીવ કરવા માટે પણ અનેક કિલોમીટર દૂર ઊંચાઈવાળા વિસ્તારોમાં જવું પડે છે.
નેટવર્ક શોધવા ગયેલા રેશન દુકાનના સંચાલકને સાપ કરડ્યો
મોબાઈલ નેટવર્કની સમસ્યાને કારણે સ્થાનિક લોકોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેનું એક ગંભીર ઉદાહરણ પણ સામે આવ્યું છે. એક સરકારી સસ્તા અનાજની દુકાનના સંચાલકને રેશનિંગ કૂપન (Rationing Coupon)ની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે મોબાઈલ નેટવર્કની જરૂર હતી. પરંતુ ગામમાં નેટવર્ક ન મળતાં તેઓ સિગ્નલ મેળવવા માટે ઊંચાઈવાળા વિસ્તારમાં ગયા હતા. આ દરમિયાન તેમને ઝેરી સાપે ડંખ માર્યો હતો. આ ઘટનાને ટાંકીને ગ્રામજનોએ જણાવ્યું હતું કે નેટવર્કની અછત માત્ર ફોન કરવાની સમસ્યા નથી, પરંતુ કેટલીક વખત લોકોના જીવને પણ જોખમમાં મૂકી શકે છે.
વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસમાં મુશ્કેલી
મોબાઈલ નેટવર્ક ન મળવાને કારણે શાળાઓ અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ (Online Education) અને ડિજિટલ શૈક્ષણિક સુવિધાઓનો લાભ લઈ શકતા નથી. આ ઉપરાંત સરકારી યોજનાઓ, ઓનલાઈન દસ્તાવેજો અને અન્ય જરૂરી સેવાઓનો ઉપયોગ કરવામાં પણ સ્થાનિક લોકોને મુશ્કેલી પડી રહી છે.
ધારાસભ્ય અને સાંસદે પણ કરી હતી રજૂઆત
આ મુદ્દે અગાઉ પણ રાજકીય પ્રતિનિધિઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. કપરાડાના ભાજપના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ 16 જુલાઈના રોજ નવા મોબાઈલ ટાવર સ્થાપિત કરવા માટે મંજૂરી આપવા રજૂઆત કરી હતી. વલસાડના ભાજપના સાંસદ ધવલ પટેલે પણ આ માગને સમર્થન આપીને રજૂઆત કરી હતી. આ ઉપરાંત વલસાડ જિલ્લા પંચાયતનાં સભ્ય અને સિંચાઈ વિભાગનાં અધ્યક્ષ દક્ષાબેન ગાયકવાડે 3 સપ્ટેમ્બર, 2026ના રોજ જિલ્લા કલેક્ટરને પત્ર લખીને અંતરિયાળ વિસ્તારોમાં મોબાઈલ નેટવર્કની સમસ્યા અંગે ધ્યાન દોર્યું હતું. હવે આદિવાસી સમાજ દ્વારા પણ મામલતદાર અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને તાત્કાલિક ઉકેલની માગ કરવામાં આવી છે.
ટાવર નહીં લગાવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
કપરાડા તાલુકાના બિનરાજકીય આદિવાસી આગેવાન જયેન્દ્ર ગામીતે આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અંતરિયાળ વિસ્તારોના લોકોને આજે પણ મૂળભૂત સંચાર સુવિધાથી વંચિત રહેવું પડે છે. માત્ર દરખાસ્તો અને આશ્વાસન આપવાને બદલે હવે નક્કર કામગીરી કરવાની જરૂર છે. તેમણે ચીમકી આપી હતી કે આસપાસનાં 13 ગામોને આવરી લેતા વિસ્તારમાં BSNL અથવા અન્ય સરકારી ટેલિકોમ કંપનીના ટાવર સ્થાપિત કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકો ઉગ્ર આંદોલન કરવા મજબૂર થશે.
ટૂંક સમયમાં સમસ્યા ઉકેલવાની કલેક્ટરની ખાતરી
વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને જણાવ્યું હતું કે જિલ્લાના કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં મોબાઈલ નેટવર્કની સમસ્યા હોવાની વહીવટી તંત્રને જાણ છે. આ માટે સરકારી જમીનના સ્થળો ઓળખી લેવામાં આવ્યા છે અને BSNLને ત્યાં મોબાઈલ નેટવર્ક ટાવર સ્થાપિત કરવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે. કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે BSNL દ્વારા ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે અને આગામી દિવસોમાં આ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. હવે ગ્રામજનોની નજર તંત્રની આ ખાતરી પર છે કે અંતરિયાળ ગામોમાં ખરેખર ક્યારે મોબાઈલ નેટવર્કની સુવિધા ઉપલબ્ધ થાય છે.















