VIDEO: વલસાડના તિથલ રોડ પર આવેલ સરદાર હાઈટ્સમાં લિફ્ટના સંચાલનમાં ઘોર બેદરકારી, 2 બાળકીઓ ફસાઈ
VIDEO: વલસાડ શહેરના પોશ ગણાતા તિથલ રોડ પર સ્થિત સરદાર હાઈટ્સ બિલ્ડિંગમાં લિફ્ટની ખામીને કારણે મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. બિલ્ડિંગની સરસ્વતી વિંગમાં લિફ્ટનો દરવાજો ન ખુલતા બે નાની બાળકીઓ લાંબા સમય સુધી અંદર ફસાઈ ગઈ હતી, જેને પગલે રહીશોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો.
જાણો આખો મામલો
મળતી વિગતો અનુસાર, વલસાડ શહેરની સરદાર હાઈટ્સના સરસ્વતી વિંગમાં રહેતી બે બાળકીઓ લિફ્ટમાં ત્રીજા માળ પર પહોંચી હતી. લિફ્ટનો અંદરનો દરવાજો તો ખૂલી ગયો હતો, પરંતુ બહારનો સુરક્ષા દરવાજો (Outer Door) જામ થઈ જવાથી ખુલ્યો નહોતો. બાળકીઓ લિફ્ટની અંદર કેદ થઈ જતાં ગભરાઈ ગઈ હતી અને બૂમાબૂમ કરી મૂકી હતી. આ અવાજ સાંભળી આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ બાળકીઓને હેમખેમ બહાર કાઢવામાં આવી હતી.
બેદરકારીનો સિલસિલો યથાવત્
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ બિલ્ડિંગમાં લિફ્ટની જાળવણીમાં ભારે બેદરકારી રાખવામાં આવે છે. આજના દિવસે જ સવારના સમયે એક વ્યક્તિ લિફ્ટની બહાર નીકળી રહ્યો હતો ત્યારે અચાનક લિફ્ટ ચાલુ થઈ ગઈ હતી, જેના કારણે તે વ્યક્તિ નીચે પટકાયો હતો. આ અગાઉ પણ અહીં અનેકવાર લિફ્ટમાં લોકો ફસાવાની ઘટનાઓ બની ચૂકી છે.
વારંવાર રજૂઆતો કરવા છતાં બિલ્ડિંગના મેનેજમેન્ટ દ્વારા લિફ્ટના રિપેરિંગ કે મેન્ટેનન્સમાં કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. જો સમયસર આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે, તો કોઈ મોટી જાનહાનિ થવાની ભીતિ રહીશો સેવી રહ્યા છે.

