વલસાડના ગુંદલાવમાં પાર્ક કરેલા ટેમ્પોમાં લાગી આગ, દુકાનનો સામાન બળીને થયો ખાક

વલસાડના ગુંદલાવ વિસ્તારમાં આવેલા દિયા કોમ્પ્લેક્સ ખાતે મધરાતે એક ગંભીર ઘટના સામે આવી છે. રાત્રે 12:30 વાગ્યે એક દુકાન બહાર પાર્ક કરેલા ટેમ્પોમાં અચાનક આગ લાગી હતી. આગની જ્વાળાઓ એટલી ભયાનક હતી કે તેની ચપેટમાં દુકાન બહાર મૂકેલો વેપારી સામાન અને એક મોપેડ આવી ગયા. આ તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે.
શોર્ટ સર્કિટથી આગ
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. તેમણે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો. સાથે જ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં ઉભેલા અન્ય વાહનોને સલામત સ્થળે ખસેડ્યા. સ્થાનિકોએ તરત જ વલસાડ નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરી. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી એક કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ અથવા તકનીકી ખામીને કારણે આગ લાગી હોવાની શંકા છે. જો કે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

