Vadodara પોલીસ એક્શનમાં: શહેરમાં 'પ્રવેશ બંધી'નું ઉલ્લંઘન કરનાર ભારે વાહનો ડિટેઇન

વડોદરા શહેરમાં ઉપરાછાપરી બની રહેલા અકસ્માતના બનાવોને પગલે વડોદરા પોલીસ વિભાગ હવે ગંભીર બન્યું છે. ભારે વાહનો દ્વારા વાહન પ્રવેશના પ્રતિબંધિત સમયનું ઉલ્લંઘન કરીને શહેરમાં પ્રવેશ કરવાના બનાવોને રોકવા માટે ટ્રાફિક પોલીસ અને RTO (પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી) દ્વારા સંયુક્ત મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.
વુડા અને L&T સર્કલ નજીક ખાસ ડ્રાઇવ
આ ખાસ ડ્રાઇવ શહેરના મુખ્ય માર્ગો પૈકીના વુડા સર્કલ અને એલ એન્ડ ટી સર્કલ નજીક ખાસ કરીને યોજવામાં આવી હતી. જ્યાં મોડી રાત્રે અથવા વહેલી સવારે મોટા વાહનોની અવરજવર નિયંત્રિત હોય છે. પોલીસ અને RTOની ટીમે સંયુક્તપણે વાહન પ્રવેશ બંધીના નિયમોનું સખતપણે પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.
23 વાહનો કબજે કરાયા
આ ડ્રાઇવ દરમિયાન પ્રવેશ બંધીના નિયમોને અવગણીને શહેરમાં પ્રવેશ કરનાર વાહન ચાલકો સામે આકરા પગલાં લેવામાં આવ્યા હતા. પોલીસે નિયમનો ભંગ કરનાર કુલ 23 ભારે વાહનોને કબજે કર્યા હતા, જેમાં 21 બસ અને બે મોટા મિલર (ટ્રક/હેવી વાહન) નો સમાવેશ થાય છે. વડોદરા શહેર પોલીસે આ વાહનોને ડિટેઇન કરીને તેમના ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ડિટેઇન કરાયેલા વાહનો પર આગળની કાર્યવાહી RTO વિભાગ દ્વારા કરવામાં આવશે, જેમાં દંડ અને અન્ય કાયદાકીય જોગવાઈઓનો સમાવેશ થઈ શકે છે.

