Vadodara News: હવે આ નદીનો બ્રિજ જર્જરિત, ભારે વાહનોની અવર-જવર ચાલું રહેતા ગ્રામજનોમાં ભારે રોષ
વડોદરાના સાવલી તાલુકાના મેવલી ગામે કરડ નદીનો બ્રિજ જર્જરિત હોવાનું સામે આવ્યું છે. ભારે વાહનો પર પ્રતિબંધ છતાં આ બ્રિજ પર ખુલ્લેઆમ ભારે વાહનોની અવર-જવર થઈ રહી છે.
ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાની ભીતિ
અહીં પ્રતિબંધના બોર્ડ માત્ર દેખાવ પૂરતા છે, અમલ શૂન્ય છે. બ્રિજના થાંભલા અને સપાટીમાં તિરાડો જોવા મળી છે. તેથી જોખમ વધ્યું છે અને ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાની ભીતિ સેવાઈ રહી છે. તેથી ગ્રામજનોમાં ભય અને ભારે રોષ છે. સમયસર મરામત નહીં થાય તો આ બ્રિજ પડી શકે છે. તંત્રની બેદરકારી સામે ગ્રામજનોએ ગંભીર પ્રશ્નો કર્યા છે.
મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે તંત્ર!
ગ્રામજનો દ્વારા તાત્કાલિક તપાસ અને નિયમભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. બ્રિજ ઉપરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ હોવા છતાં પણ ભારે માલ વાહક વાહનોની અવર-જવર ચાલુ છે. તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

