Gambhira બ્રિજ પર લટકેલો ટ્રક કાઢવામાં સરકારે હાથ અધ્ધર કર્યા, ટ્રક માલિકની ન ઘરના ન ઘાટના જેવી સ્થિતિ

Vadodara News: વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ પર લટકી રહેલા ટ્રક ઉપર આજે પણ સૌ કોઇની નજર છે. કારણ કે, આ ટ્રકની તસ્વીર આજે પણ ઘટનાની યાદો તાજી કરે છે. બ્રિજ પર જોખમી રીકે લટકી રહેલો ટ્રક જોઇ રૂંવાડા ઉભા થઇ જાય છે. આ મામલે વધુ તપાસ કરતા મુજપુર-ગંભીરા બ્રિજ પર દુર્ઘટનાના 10 દિવસે પણ લટકી રહેલો ટ્રક શિવમ રોડલાઇન્સનો હોવાનું સામે આવ્યું છે.
અંકલેશ્વર સ્થિત શિવમ રોડલાઇન્સ આશરે 12 વર્ષ જુની કંપની છે. આજે પણ આ ટ્રક બ્રિજ પર જોખમી હાલતમાં લટકી રહ્યો છે. આ અંગે શિવમ રોડલાઇન્સના માલિક રામાશંકર ઇન્દ્રબહાદુર પાલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતુ કે, અમે છેલ્લા દસ દિવસથી ટ્રક બ્રિજ પરથી હટાવવા માટે આણંદ-વડોદરાની સરકારી કચેરીઓના ધક્કા ખાઇ રહ્યાં છીએ પણ કોઈ જવાબ મળતો નથી.
અમારે ટ્રક દેખાય છે પણ અમે કાંઈ કરી શકીએ તેમ નથી. અગાઉ પ્રસાશન દ્વારા ટ્રક કાઢવાની બાંહેધરી અપાઈ હતી. પરંતુ હવે તેમને હાથ અધ્ધર કરી દીધા છે. અમારે ટ્રકના હપ્તા ભરવાના છે બેંક કહી રહી છે હપ્તા ભરો, જ્યારે ઇન્સ્યોરન્સ કંપની કહી રહી છે ટ્રક સલામત છે કોઈ વીમો મળે નહીં. જેથી આજે ટ્રક માલિક ખુદ મીડિયા સમક્ષ આવ્યા હતા અને પોતાની વેદન વ્યક્ત કરી હતી.

