VADODARA: મહીસાગર નદીમાં ખનિજ વિભાગની રેડથી માફિયાઓમાં ફફડાટ, લાખ્ખોનો મુદ્દામાલ જપ્ત કર્યો

વડોદરાના સાવલી તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનનનો મામલો સામે આવ્યો છે. બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાવલજીએ બે દિવસ પહેલાં પ્રેસ કોન્ફરન્સમાં સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર પર ખનિજ ખનનના ઇશારે ગેરકાયદેસર રેતી ખનનના આક્ષેપ કર્યા હતા. આ આક્ષેપો બાદ ખનિજ વિભાગ જાગૃત થઈને સાવલીના ખાંડી-પોઇચા ગામ પાસે મહીસાગર નદીમાં રેતી ખનન પર રેડ પાડી હતી. આ રેડમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
વડોદરામાં સાવલીની ઘટના અંગે બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપ સિંહે સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર પર રેત ખનન ચાલી રહ્યું હોવાના આક્ષેપ કર્યા હતા. જેને પગલે ખનિજ વિભાગે જાગૃત થઈને મહિસાગર નદીમાં રેતખનન અંગે રેડ પાડી હાજર મુદ્દામાલ સહિત વાહનો જપ્ત કર્યા હતા. જેમાં ત્રણ ડમ્પર સામેલ છે. આ ડમ્પરોને ભાદરવા પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરવામાં આવ્યા.
જણાવી દઈએ કે, અગાઉ પણ ખાંડી-પોઇચામાં ખનિજ વિભાગે રેડ પાડી કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ રેડથી ભાદરવા પંથકના ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. ખનિજ વિભાગે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

