વડોદરાના આકાશમાં પાંચ સ્વદેશી હેલિકોપ્ટરનો જલવો! વાયુસેનાની સારંગ ટીમના એર શોએ લોકોને કર્યા મંત્રમુગ્ધ

વડોદરાના આકાશમાં પાંચ સ્વદેશી હેલિકોપ્ટરનો જલવો! વાયુસેનાની સારંગ ટીમના એર શોએ લોકોને કર્યા મંત્રમુગ્ધ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ભારતીય વાયુસેનાની વડોદરા સ્થિત 11મી સ્કવોડ્રનની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણીના ભાગરુપે આજે (13 નવેમ્બર) વાયુસેનાની સારંગ હેલિકોપ્ટર ટીમનો એર શો યોજાયો હતો. હેલિકોપ્ટરના આકાશી કરતબોએ આમંત્રિતોને રોમાંચિત કર્યા હતા.

વડોદરામાં વાયુસેનાની સારંગ ટીમનો એર શો

જાહેરાત

વાયુસેનાની સારંગ ટીમમાં ભારતમાં જ બનેલા એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર્સનો સમાવેશ થાય છે. ટીમના પાયલોટોએ હેલિકોપ્ટર સાથે ડાયમંડ ફોર્મેશન, વાઈન ગ્લાસ ફોર્મેશન, ડોલ્ફિન લીપ, હાર્ટ ફોર્મેશન, સારંગ સ્પિલટ, ક્રોસ ઓવર જેવા ફોર્મેશન બતાવ્યા હતા.

સ્વદેશી હેલિકોપ્ટર ઉડાવવું અમારા માટે ગૌરવની વાત: સારંગ ટીમ

સારંગ ટીમ એશિયાની એક માત્ર હેલિકોપ્ટર ટીમ છે. વાયુસેનાના આયોજિત એર શોમાં પાંચ હેલિકોપ્ટર એક સાથે આકાશમાં ઉડાન ભરીને પંદર મિનિટ સુધી અલગ અલગ ફોર્મેશન્સ દર્શાવી હતી. ટીમના સભ્યોએ કહ્યું કે, 'આ હેલિકોપ્ટર ભારતમાં જ બનેલા છે અને સંપૂર્ણપણે સ્વદેશી છે. તેને ઉડાવવું અમારા માટે ગૌરવની વાત છે.'

સારંગ ટીમના મહિલા પાયલોટનું નિવેદન

સારંગ ટીમમાં મહિલા પાયલોટ ફ્લાઈટ લેફટનન્ટ અશનીતનો પણ સમાવેશ થાય છે. તેમના કહેવા અનુસાર, 'પંદર મિનિટના એર શો માટે પાયલોટે આકરી પ્રેક્ટિસ કરી હોય છે. જેવા અમે એર શો માટે હેલિકોપ્ટરમાં બેસીએ છીએ એટલે આસપાસની દુનિયાને ભુલી જઈએ છીએ અને હેલિકોપ્ટરનો જ એક ભાગ બની જઈએ છીએ. આ માટે 100 ટકા ફોકસ રાખવું બહુ જરૂરી છે.'

લોકોનો પ્રેમ સૌથી મોટી પ્રેરણા: સ્કવોડ્રન લીડર

ટીમમાં સામેલ પાયલોટ સ્કવોડ્રન લીડર નિશાંક અવસ્થીએ કહ્યું કે, 'સારંગ ટીમમાં સામેલ થવાનો નિર્ણય સ્વૈચ્છિક હોય છે. ટીમમાં પસંદગી થયા બાદ પણ એકથી દોઢ વર્ષની આકરી ટ્રેનિંગ બાદ એર શોમાં પાયલોટ ભાગ લઈ શકે છે. ટીમમાં સામેલ નવા પાયલોટની ટ્રેનિંગની શરૂઆત એક હેલિકોપ્ટર સાથે ઉડાન ભરવાથી થાય છે અને પછી તબક્કાવાર પાંચ હેલિકોપ્ટર સાથે ઉડવાની તાલીમ આપવામાં આવે છે. એર શો દરમિયાન પાયલોટ માટે એક બીજા સાથે તાલમેલ હોવો બહુ જરૂરી છે અને એટલે જ અમે સતત પ્રેક્ટિસ પર ભાર આપીએ છીએ. અમારા માટે સૌથી મોટી પ્રેરણા લોકો તરફથી મળતો પ્રેમ અને સન્માન છે. એરફોર્સના બધા પાયલોટને લોકો સાથે વાતચીત કરવાની કે તેમની સામે સજવાની તક મળતી નથી.'

સારંગ ટીમની ફેક્ટ ફાઈલ

- 2003માં સ્થાપના અને 385 કરતા વધારે સ્થળોએ 1200થી વધારે એર શો.
- ભારતની સાથે સિંગાપોર, યુએઈ, જર્મની, રશિયા, બેહરિનમાં પણ એર શો.
- ટીમનું એરબેઝ તામિલનાડુના સુલુર ખાતે આવેલું છે.
- સારંગનો અર્થ મોર થાય છે. હેલિકોપ્ટર પર મોરપિંછની ડિઝાઈન છે.
- ટીમે ઉત્તરાખંડમાં 2013માં આવેલા પૂર વખતે આ જ હેલિકોપ્ટરોની મદદથી 1000 લોકોને બચાવ્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત