છઠ્ઠી સદીના ગ્રંથોમાં ગુંજતું 'દર્ભાવતી' એટલે આજનું ડભોઈ: હજાર વર્ષ જૂના ભવ્ય સ્થાપત્ય વારસાને ઉજાગર કરતું વર્લ્ડ હેરિટેજ વીક

ગુજરાતની ઐતિહાસિક ધરોહર અને સ્થાપત્ય કલાનો સમૃદ્ધ વારસો ધરાવતું વડોદરા જિલ્લાનું ડભોઈ નગર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. પ્રાચીન સમયમાં 'દર્ભાવતી' અને 'દર્ભિકાગ્રામ' તરીકે ઓળખાતું આ નગર છઠ્ઠી સદીના પ્રસિદ્ધ ગ્રંથ 'રોમક સિદ્ધાંત'માં પણ સ્થાન ધરાવે છે. એક હજાર વર્ષથી વધુ જૂનો ઇતિહાસ ધરાવતા ડભોઈનાં હીરા દ્વાર, મહુડી દ્વાર અને સપ્તમુખી વાવ જેવા બેનમૂન સ્થાપત્યો આજે પણ ગુજરાતની પ્રાચીન સ્થાપત્ય કળાની ભવ્યતાની સાક્ષી પૂરે છે.
ASIએ ડભોઈના ઇતિહાસનું દસ્તાવેજીકરણ કર્યું
વિશ્વ હેરિટેજ સપ્તાહ (World Heritage Week)ની ઉજવણીના ભાગરૂપે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા ગુજરાતના ઐતિહાસિક અને પુરાતત્વીય વારસાને લોકો સમક્ષ ઉજાગર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત ASIના વડોદરા સર્કલ દ્વારા ડભોઈના ઇતિહાસ, કલા અને સ્થાપત્ય વારસાને સાચવવા માટે 'ડભોઈ થ્રુ ધ એજીસ' (Dabhoi Through the Ages) નામની વિશેષ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું છે. આ પુસ્તિકામાં ડભોઈના ઐતિહાસિક મહત્ત્વ અને સ્થાપત્ય વારસાને દસ્તાવેજીકૃત કરવામાં આવ્યો છે. ઇતિહાસપ્રેમીઓ, સંશોધકો અને નવી પેઢી માટે આ પુસ્તિકા ઉપયોગી સાબિત થશે.
હીરા દ્વાર અને સપ્તમુખી વાવ છે વિશેષ આકર્ષણ
ડભોઈનું સ્થાપત્ય વૈભવ તેના ઐતિહાસિક દરવાજાઓ અને વાવમાં જોવા મળે છે. હીરા દ્વાર અને મહુડી દ્વાર તેની કિલ્લેબંધી તથા શિલ્પકલાની વિશેષ ઓળખ ધરાવે છે. જ્યારે સપ્તમુખી વાવ પ્રાચીન જળવ્યવસ્થાપન અને સ્થાપત્ય કૌશલ્યનું ઉત્તમ ઉદાહરણ છે. આ સ્મારકો ડભોઈના ગૌરવશાળી ભૂતકાળને જીવંત રાખે છે.
વડોદરા અને લોથલમાં હેરિટેજ સપ્તાહનાં વિશેષ આયોજન
વિશ્વ હેરિટેજ સપ્તાહ નિમિત્તે ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
- 23 નવેમ્બર, વડોદરા: ગુજરાતમાં તાજેતરમાં થયેલા પુરાતત્વીય ઉત્ખનન અને નવી શોધખોળો અંગે નિષ્ણાતો દ્વારા સેમિનાર યોજાશે. તેમાં પુરાતત્વીય સંશોધન અને ઐતિહાસિક તારણો પર ચર્ચા કરવામાં આવશે.
- 25 નવેમ્બર, લોથલ: હડપ્પીય સંસ્કૃતિના પ્રાચીન કેન્દ્ર લોથલ ખાતે હેરિટેજ વોકનું આયોજન કરાયું છે. આ ઉપરાંત પ્રાચીન પદ્ધતિથી મણકા બનાવવાની (Bead Making) વિશેષ વર્કશોપ પણ યોજાશે.
નવી પેઢીને ઐતિહાસિક વારસાથી જોડવાનો પ્રયાસ
ASI વડોદરા સર્કલનાં અધિક્ષક પુરાતત્વવિદ્ શુભા મજુમદારના જણાવ્યા અનુસાર, હેરિટેજ સપ્તાહ અંતર્ગત ગુજરાતના વિવિધ ઐતિહાસિક સ્થળોની વિશેષતાઓ લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. ડભોઈ જેવા પ્રાચીન નગરોના ઇતિહાસનું દસ્તાવેજીકરણ કરીને રાજ્યના સાંસ્કૃતિક વારસાને આગામી પેઢી માટે જાળવી રાખવાનો આ પ્રયાસ મહત્ત્વપૂર્ણ છે.










