31 ડિસેમ્બર નજીક આવતા જ ઊંઘતી પોલીસ જાગી , માત્ર 3 દિવસમાં 700થી વધુ નશાખોરોને ઝડપ્યા
ગુજરાતમાં કાગળ પર દારૂબંધી છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે દારૂ ગલીએ-ગલીએ વેચાઈ રહ્યો છે. વડોદરા જિલ્લા પોલીસે છેલ્લા ત્રણ દિવસમાં 'ડ્રિંક એન્ડ ડ્રાઈવ'ના 700થી વધુ કેસ નોંધીને પોતાની પીઠ થાબડી છે, પરંતુ આ આંકડા જ સાબિત કરે છે કે જિલ્લામાં નશાનો કારોબાર કેટલો ફૂલ્યો-ફાલ્યો છે. ત્યારે હવે એ સવાલ છે કે, જો પોલીસ ત્રણ દિવસમાં 700 નશાખોરોને પકડી શકતી હોય, તો આખું વર્ષ આ નશાખોરો અને બુટલેગરો કોની રહેમનજર હેઠળ બેફામ ફરે છે?
31 ડિસેમ્બર નજીક આવતા જ પોલીસ અચાનક સક્રિય થઈ જાય છે. જિલ્લાના 30 જેટલા એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર ચેકિંગના નામે દેખાડો કરવામાં આવી રહ્યો છે. પોલીસનો દાવો છે કે તેઓ નિર્દોષોના જીવ બચાવવા આ ઝુંબેશ ચલાવી રહ્યા છે, પરંતુ જો પોલીસ ખરેખર ગંભીર હોય, તો વર્ષના બાકીના દિવસોમાં દારૂ ક્યાંથી આવે છે અને કોણ વેચે છે તે કેમ પકડાતું નથી?
માત્ર ત્રણ દિવસમાં 700થી વધુ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો સામે આવ્યા, તે પોલીસની કામગીરી કરતા વધુ તો રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડી રહ્યા હોવાનો પુરાવો છે. જો દારૂ મળતો જ ન હોય, તો આટલી મોટી સંખ્યામાં લોકો નશો કરીને રસ્તા પર આવે ક્યાંથી? પોલીસ માત્ર વાહનચાલકોને પકડીને સંતોષ માની રહી છે, પરંતુ જેમના થકી આ દારૂ પીરસવામાં આવે છે તેમના સુધી પહોંચવામાં પોલીસના હાથ કેમ ટૂંકા પડે છે તે એક મોટો પ્રશ્ન છે.

