VIDEO: વડોદરાવાસીઓ પૂરની તબાહીમાં ત્રસ્ત, ભાજપ નેતા રીલ બનાવવામાં મસ્ત

એક તરફ પૂરની સ્થિતિ બાદ વડોદરાવાસીઓ માંડમાંડ બેઠા થઈ રહ્યા છે. બીજી તરફ લોકો નેતાઓ સામે રોષ ઠાલવી રહ્યા છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે વડોદરા ભાજપ મહિલા મોરચાના નેતાએ ઘૂંટણસમા પાણીમાં વીડિયો બનાવ્યો છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે.
વડોદરા શહેર હવે પૂરની પરિસ્થિતિમાંથી ધીમે ધીમે બહાર નીકળી રહ્યું છે. ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરો વિવિધ વિસ્તારોમાં જઇ રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓનો લોકો હૂલારીયો બોલાવી રહ્યા છે. તેવામાં વડોદરામાં ભાજપની મહિલા નેતાએ શરમ નેવે મૂકી હોય તેવો એક વીડિયો સામે આવ્યો છે.
ભાજપના મહિલા મોરચાના મહામંત્રી ચાર્મી પટેલનો ઘૂંટણસમા પાણીમાં બનાવેલો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોમાં એવી ચર્ચા પણ થઈ રહી છે કે, લોકો પૂરમાં પરેશાન હતા અને મેડમ રીલ્સ બનાવવામાં વ્યસ્ત હતા.

