શેરબજારમાં 10થી 25% નફાની લાલચ, વેપારી પાસેથી રૂ.1.03 કરોડની સાયબર ઠગાઈ

વડોદરામાં શેરબજારમાં રોકાણ કરાવી ઊંચું વળતર અપાવવાની લાલચ આપીને સાયબર ઠગોએ સેવાસી ગામના વેપારીને રૂ.1.03 કરોડથી વધુનો ચૂનો લગાવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. અજાણ્યા શખ્સે વેપારીને ફોન કરી તેમના શેરખાન ટ્રેડિંગ એકાઉન્ટમાં રૂ.7 લાખનું નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોતાના ગ્રૂપમાં ટ્રેડિંગ કરવાથી રોજ 10થી 25 ટકા નફો કરાવી નુકસાન ભરપાઈ કરાવવાની લાલચ આપી હતી.
શેરબજારમાં મોટો નફો અપાવવાની લાલચ આપી વિશ્વાસમાં લીધો
સેવાસી વિસ્તારમાં રહેતા વિપુલ શાંતિલાલ મકવાણાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ લોનના કામ સાથે શેરબજારમાં ટ્રેડિંગ પણ કરે છે. માર્ચ-2025 દરમિયાન તેઓ ઘરે હતા ત્યારે અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો. ફોન કરનારે તેમના શેરખાન ટ્રેડિંગ ડેબિટ એકાઉન્ટમાં રૂ.7 લાખનું નુકસાન થયું હોવાનું કહી પોતાના ગ્રૂપમાં ટ્રેડિંગ કરવાની સલાહ આપી હતી.
આ ઉપરાંત આરોપીએ જે ખાતામાં નાણાં જમા કરાવવામાં આવશે તે તમામ ખાતાં સેબીમાં રજિસ્ટર્ડ હોવાનું અને તેમની સંસ્થા 37 વર્ષ જૂની તથા વિશ્વસનીય હોવાનું જણાવી વેપારીનો વિશ્વાસ જીત્યો હતો.
વોટ્સએપ ગ્રૂપમાં જોડ્યા, એપ ડાઉનલોડ કરાવી
આ પછી વેપારીને વોટ્સએપ મારફતે શેરબજારની માહિતી આપતા ગ્રૂપમાં જોડવામાં આવ્યા હતા. શરૂઆતમાં ઠગોએ વિશ્વાસ બેસે તે રીતે શેરબજારના વ્યવહારો અને નફાની વિગતો દર્શાવી હતી. ત્યારબાદ ‘ABBOTT WELTH MANAGENT’ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં KYC સહિતની પ્રક્રિયા કરાવવામાં આવી હતી.
એપમાં રોકાણ કરેલી રકમની સાથે નફો પણ દેખાતો હોવાથી વેપારીને વધુ નાણાં રોકવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. ઠગોએ અલગ-અલગ બેંક ખાતાંમાં પૈસા જમા કરાવવાની સૂચના આપી હતી.
બે મહિનામાં રૂ.1.03 કરોડથી વધુ ટ્રાન્સફર
ઠગોની વાતમાં વિશ્વાસ આવી જતાં વેપારીએ એપ્રિલથી મે-2025 દરમિયાન અનેક વખત ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને કુલ રૂ.1,03,35,000 અલગ-અલગ ખાતાંમાં જમા કરાવ્યા હતા. જોકે, એપમાં નફાની રકમ દેખાતી હોવા છતાં વેપારીને તે રકમ ઉપાડવા દેવામાં આવી નહોતી.
આ પછી આરોપીઓ વધુ પૈસા જમા કરાવવા માટે સતત દબાણ કરતા હતા. આખરે સમગ્ર મામલો શંકાસ્પદ લાગતાં વેપારીને પોતાની સાથે સાયબર છેતરપિંડી થઈ હોવાનું સમજાયું હતું. ત્યારબાદ તેમણે પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. તાલુકા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

