વડોદરા: નાઈજિરિયન ઠગોએ 15 કરોડ પડાવ્યાં, જાણો કઈ રીતે 900 લોકોને ફસાવ્યા
વડોદરાની યુવતી સાથે ફ્રેન્ડશિપ કરી 2.62 લાખની ઠગાઇ કરનાર નાઇઝિરિયન ગેંગના ત્રણ સાગરીતોને વડોદરા સાયબર સેલ

વડોદરાની યુવતી સાથે ફ્રેન્ડશિપ કરી 2.62 લાખની ઠગાઇ કરનાર નાઇઝિરિયન ગેંગના ત્રણ સાગરીતોને વડોદરા સાયબર સેલે દિલ્હીથી ઝડપી પાડયા બાદ તેમના રિમાન્ડ પુરા થતાં કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.વડોદરાની યુવતીને કેમિકલ એન્જિનયર તરીકે ખોટી ઓળખ આપ્યા બાદ પાર્સલ છોડાવવા તેમજ મશીનરી ખરીદવાના નામે મદદ માંગી ૨.૬૨ લાખ પડાવી લેનાર ઠગ સામે યુવતીએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે દિલ્હીમાંથી લેઝુઓ ઓબિઓમા જહોન, જિબ્રિલ મોહંમદ (બંને રહે. સંતનગર, બુરારી, દિલ્હી મૂળ નાઇઝિરિયા) અને એગબુલ્લે ઇકેન્ના (યુનિટેકહોરાઇઝન હાઉસ,ગ્રેટર નોઇડા,યુપી મૂળ નાઇઝિરિયા) ને ઝડપી ત્રણ મોબાઇલ કબજે લીધા હતા. જેમાં 500 જેટલા એકાઉન્ટ તેમજ આ એકાઉન્ટો માટે 900 જેટલી ફરિયાદો થઇ હોવાની તેમજ 15કરોડના ટ્રાન્ઝેક્શન થયા હોવાની માહિતી બહાર આવી હતી.
નાઇઝિરિયન ઠગોને ઓળખવા દિલ્હીમાં બાતમીદાર ઉભા કર્યા,સાદાવેશમાં વોચ રાખી
વડોદરા સાયબર સેલે નાઇઝિરિયન ગેંગને પકડવા માટે બે મહિનાથી દિલ્હીમાં આંટાફેરા માર્યા હતા. વડોદરાની યુવતીના 2.62 લાખ જે બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા તે બેન્ક એકાઉન્ટનો ધારક દિલ્હીનો એક સ્ટુડન્ટ હતો.પોલીસે તેનો જ ઉપયોગ કર્યો હતો અને એક નાઇઝિરિયનને ઓળખી લીધો હતો.
ત્રણેય નાઇઝિરિયનના વિઝા પુરા થઇ ગયા હોવા છતાં ભાડેથી ફ્લેટમાં રહેતા હતા
ઓનલાઇન ઠગાઇ કરતી નાઇઝિરિયન ઠગો ભારતમાં ગેરકાયદે રહેતા હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, ત્રણેય ઠગો પૈકી લેઝુઓ જ્હોન પાંચ વર્ષથી રહેતો હતો. જ્યારે બીજા બે સાગરીત બે વર્ષથી રહેતા હતા.ત્રણેયના વિઝા પુરા થઇ ગયા હોવાની અને તેમ છતાં ભાડેથી ફ્લેટમાં રહેતા હોવાની માહિતી મળી છે.





