4 ઇંચ સુધી માવઠું: આગામી 48 કલાકમાં કયા જિલ્લામાં યલો-ઓરેન્જ એલર્ટ?
Gujarat Rain Forecast: અરબી સમુદ્રમાં ડિપ્રેશનની સ્થિતિના કારણે હવામાન

Gujarat Rain Forecast: અરબી સમુદ્રમાં ડિપ્રેશનની સ્થિતિના કારણે હવામાન વિભાગે આગામી 6 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં શનિવારે (25 ઓક્ટોબર) 9 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. દરિયો તોફાની બને તેવી શક્યતા છે, ત્યારે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલા પોર્ટ પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ આપવામાં આવ્યું છે.
સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને 25 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા હજુ પાંચ દિવસ માવઠા માટે એલર્ટ જાહેર કરાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
ચાર દિવસની આગાહી
શનિવારે (25 ઓક્ટોબર) વહેલી સવારથી જ અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. નવસારીમાં સૌથી વધુ 4 ઈંચ, વલસાડના ઉમરગામમાં 175, જ્યારે ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં 1.50 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ થતાં અમરેલી, વેરાવળમાં ખેડૂતોની ચિંતા વધી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે, ત્યારે હવામાન વિભાગે આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં રાજયના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા પોર્ટ પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ આપવામાં આવ્યું છે.
ખેડૂતોને નુકસાન
સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે અમરેલીના ઘારી અને ખાંભા પંથકમાં માવઠું થયું છે. ખાંભા શહેરમાં ધીમી ધારે વરસાદ પડ્યો, તો ઘારીના ત્રંબકપુર અને ગોંવીદપુર ગામમાં હળવો વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ખાંભા તાલુકાના દિવાના સરાકડિયા, નાનુડી, દાઢીયાળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. એવામાં મગફળી, કપાસ, તુવેર સહિતના પાકને નુકસાની થઈ હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતાં ગુજરાતના દરિયાકાંઠા અને સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. સમુદ્રમાં જોખમી પરિસ્થિતિ ઊભી થાય તેવી શક્યતા છે.
દરિયાકાંઠાના પોર્ટ પર જોખમી સિગ્નલ જાહેર
અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતાં ગુજરાતના દરિયાકાંઠા અને સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. સમુદ્રમાં જોખમી પરિસ્થિતિ ઊભી થાય તેવી શક્યતા છે, ત્યારે ઓખા પોર્ટ પર નંબર-3, સલાયા પોર્ટ પર નંબર-1નું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગ મુજબ, આજે શનિવારે (25 ઓક્ટોબર) અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
26 ઓક્ટોબરની આગાહી
ઓરેન્જ ઍલર્ટ : બોટાદ, અમરેલી, ભાવનગર.
યલો ઍલર્ટ : અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર.
27 ઓક્ટોબરની આગાહી
યલો ઍલર્ટ : અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, પંચમહાલ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, ભાવનગર, અમરેલી.
28 ઓક્ટોબરની આગાહી
યલો ઍલર્ટ : પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ.








