ભરઉનાળે કમોસમી વરસાદની આગાહી : 13થી 15 એપ્રિલ રાજ્યના આ જિલ્લામાં માવઠાનો ખતરો, જાણો અમદાવાદમાં કેવું રહેશે વાતાવરણ
એક તરફ ગરમીનો પારો 38 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. જેના પગલે લોકો ગરમીમાં શેકાઈ ગયા

એક તરફ ગરમીનો પારો 38 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. જેના પગલે લોકો ગરમીમાં શેકાઈ ગયા છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે આગામી બે દિવસ બાદ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદમાં વરસાદની શક્યતાઓ નહિવત છે. નોંધનીય છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ વરસશે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી બે દિવસ બાદ 13, 14 અને 15 એપ્રિલ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છનાં જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી શકે છે.
13 એપ્રિલે નવસારી સહિતના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી
જેમાં 13 એપ્રિલે નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, ગીરસોમનાથ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરી છે. 14 એપ્રિલે નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, ગીરસોમનાથમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે 15 એપ્રિલના રોજ સાબરકાંઠા મહીસાગર, અરવલ્લી અને દાહોદમાં વરસાદ વરસી શકે છે.






