કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે જળ સંચયની ક્રાંતિ લાવવા કમર કસી, નવસારીના લોકોને કરી સહયોગની અપીલ
નવસારી જિલ્લાને જળ સંચયમાં અગ્રેસર રાખવાના ઉદ્દેશ્ય માટે કેબિનેટ મંત્રી સી

નવસારી જિલ્લાને જળ સંચયમાં અગ્રેસર રાખવાના ઉદ્દેશ્ય માટે કેબિનેટ મંત્રી સી.આર.પાટીલની લોકોને અપીલ. આજે ગણદેવીના ધમડાછા ગામે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી. આર. પાટીલે નવસારી જિલ્લાના સરપંચો સાથે સંવાદ યોજી સહયોગની અપીલ કરી હતી.
ભારત સરકારમાં જળ શક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી બન્યા બાદ નવસારીના સાંસદ સી. આર. પાટીલે સમગ્ર દેશમાં જળ સંચયની ક્રાંતિ કરવા કમર કસી છે. જેમાં પણ નવસારી જિલ્લો વરસાદી પાણીના સંગ્રહમાં દેશમાં પ્રથમ રહે, એ માટે પ્રયાસો શરૂ કર્યા છે. ખાસ કરીને ગામનું પાણી ગામમાં જ સંગ્રહિત થાય એ માટે રહેઠાણ સાથે ખેતરોમાં પણ 4x6ના ખાડા બનાવી, વરસાદી પાણીનો સંચય કરવાની પહેલ નવસારી જિલ્લાએ કરી છે.
આ પહેલમાં ચીખલી તાલુકાના તલાવચોરા ગામે 26 વીઘા જમીનમાં અંદાજે 4 હજાર રૂપિયાના ખર્ચે 26 ખાડા બનાવ્યા છે. એજ પ્રમાણે જિલ્લાના દરેક ગામના ખેતરોમાં જળ સંચયના ખાડા બનાવવા સરપંચોને સહયોગ કરવા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, 8 માર્ચના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લખપતિ દીદી સન્માન સમારોહ કાર્યક્રમને લઈને પણ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે સરપંચો અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી કાર્યક્રમને વધુ સુંદર બનાવવા માટે પણ અપીલ કરી હતી.






