ગીર સોમનાથ : ઊનાના કોબ ગામે બે યુવાનોએ ઘરમાં ઘુસી છરી વડે મહિલા પર કર્યો જીવલેણ હુમલો
ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના કોબ ગામે બે શખ્સોએ ઘરમાં ઘુસીને એક મહિલા પર જીવલેણ હુમલો કર્યો છે

ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના કોબ ગામે બે શખ્સોએ ઘરમાં ઘુસીને એક મહિલા પર જીવલેણ હુમલો કર્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો ભોગ બનનાર મહિલાની પુત્રીએ ઘટના સમયે મોબાઈલ ફોનથી ઉતાર્યો હતો, જે વાયરલ થયો છે.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના કોબ ગામમાં રહેતી પરણિત મહિલા તેની પુત્રીને લઈને ભાઈના ઘરે ઊના ગઈ હતી. આ દરમિયાન રસ્તામાં બે યુવાનો સાથે આ મહિલાને બોલાચાલી થઈ હતી.
આ મહિલા કોબ ગામે પોતાના ઘરે પરત આવી હતી. આ દરમિયાન પેલા બે યુવાનો હાથમાં છરી લઈને આ મહિલાના ઘરમાં ઘુસી ગયા હતા અને મહિલાને માર મારીને તેના શરીર પર છરીના ઘા માર્યા હતા. આ મહિલા તેના ઘરમાં લોહીલુહાણ હાલતમાં છોડીને હુમલાખોરો ફરાર થઇ ગયા હતા. આ મહિલાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.






