સુરતમાં ઉત્તરાયણ અગાઉ પતંગના દોરાથી બચાવવા પ્રયાસ, ટૂ વ્હિલર પર બંધાયા સેફ્ટી ગાર્ડ
ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. તહેવાર અગાઉ જ આકાશમાં પતંગો ઉડવા લાગ્યા છે

ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. તહેવાર અગાઉ જ આકાશમાં પતંગો ઉડવા લાગ્યા છે. ત્યારે પતંગના ઘાતક દોરાથી અકસ્માતોની સંખ્યામાં રાજ્યભરમાં વધારો થઈ રહ્યો છે. ઘણા વાહનચાલકોના પતંગના દોરાથી ગળા કપાતા મોત પણ થયા છે. ત્યારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકોને બચાવવા માટે સેફ્ટી ગાર્ડ આપવાની સાથે સાથે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
ટીમ કામે લાગી
ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી સુરત ટ્રાફિક વિભાગની ટીમ અલગ મોડ પર કામ કરી રહી છે. સુરત ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા વાહન ચાલકોને ગાડીઓ પર તાર બાંધી સેફટી રાખવા જણાવાયુ હતું. પતંગના દોરાથી બચવા માટે શું કરી શકાય તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કોઈપણ વાહન ચાલક પોતાના બાળકને આગળ ન બેસાડે તે બાબતે પોલીસે સૂચન કર્યું હતું.
બાળકોની સુરક્ષા ખૂબ જરૂરી
એસીપી એસ આર ટંડેલએ કહ્યું કે, દર વર્ષે ઉત્તરાયણમાં પતંગના દોરાના કારણે અનેક અકસ્માતો થાય છે. મોટા ભાગે પતંગના દોરા માથે પડે તો બાઈક કે મોપેડ ચાલકના ચહેરાથી લઈને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતી હોય છે. ખાસ કરીને બાળકોને આગળ બેસાડવામાં આવતાં હોય છે. તેમને ઈજાઓ પહોંચતી હોય છે. ત્યારે તેમની સુરક્ષા માટે આ ગાર્ડ ખૂબ જ જરૂરી છે.








