ખેડા : “મુંબઈથી CBI ઓફિસર બોલું છું” કહીને ઠગે વૃદ્ધ દંપત્તિ પાસેથી પડાવ્યાં 61 લાખ રૂપિયા!
ખેડા જિલ્લાના મહુધા તાલુકાના મહિસા ગામનું વૃદ્ધ દંપત્તિ ઠગ ટોળકીના શિકાર

ખેડા જિલ્લાના મહુધા તાલુકાના મહિસા ગામનું વૃદ્ધ દંપત્તિ ઠગ ટોળકીના શિકાર બન્યા છે. ગઠીયાઓએ આ દંપતિને વોટ્સએપ કોલ કરી કહ્યું “મુંબઈથી CBI ઓફિસર બોલું છું” કહીને ટુકડે ટુકડે 61 લાખ રૂપિયા પડાવ્યાં હોવાની ફરિયાદ નોંધાઈ છે.
વોટ્સએપ કોલ કરીને સંતાનોને ડ્રગ્સના કેસમાં ફસાવવાની ધમકી આપી નાણાં પડાવ્યાં
મહુધા તાલુકાના મહિસા ગામ વૃદ્ધ દંપત્તિને ઠગબાજોએ વોટ્સએપ પર કોલ કરીને “મુંબઈથી CBI ઓફિસર બોલું છું, તમારા દીકરા-દિકરીને ડ્રગ્સ કેસમાં સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ એરેસ્ટ કરવા પડશે” તેવી બીક બતાવી લાખો રૂપિયા પડાવ્યા છે. વૃદ્ધ દંપતિ પાસે રૂપિયા ન હોવાથી દાગીના ગીરે મુક્યા હતા અને બીજા દાગીના વેચી ટુકડે ટુકડે રૂપિયા 61 લાખ RTGS કર્યા હતા.
ઠગ ટોળકીએ વધુ 40 લાખ માંગ્યા
61 લાખ પડાવ્યાં બાદ આ ઠગ ટોળકીએ વૃદ્ધ દંપત્તિ પાસે વધુ 40 લાખની માંગણી કરી હતી. અંતે આ બાબતે વૃદ્ધ દંપત્તિએ પોતાની દીકરીને વાત કરતા સાયબર ક્રાઇમ થયું હોવાની જાણ થઇ હતી.
આ સમગ્ર મામલે મહુધા પોલીસ મથકે રાજેશ પ્રધાન, પ્રકાશ અગ્રવાલ અને અલગ અલગ મોબાઈલ ધારકો તેમજ અલગ અલગ બેંકના એકાઉન્ટ ધારકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






