ઇડરમાં નોઇડાની શિક્ષણ સંસ્થામાં ધોરણ 10-12માં પાસ કરાવવા માટે લાંચ માંગતા ત્રણ લોકો ઝડપાયા
સાબરકાંઠામાં વધુ એક વખત ACBએ ટ્રેપ ગોઠવતા ત્રણ લોકોને ઝડપી પાડ્યા

સાબરકાંઠામાં વધુ એક વખત ACBએ ટ્રેપ ગોઠવતા ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે. ઇડરની કન્સલ્ટીંગ એકેડમીમાં નોઇડાની શિક્ષણ સંસ્થામાં ધોરણ 10 અને 12 પાસ કરાવવા માટે લાંચ માંગવામાં આવી હતી. 22 જેટલા વિદ્યાર્થીઓના ઓનલાઇન પરીક્ષા ફોર્મ ભરવામાં આવ્યા હતા. ઓનલાઇન ફી સિવાય કોઇ રકમ ના લેવાની હોવા છતાં રકમ માંગવામાં આવી હતી.
બનાવની વિગતો જોઇએ તો ફરિયાદીએ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા તથા ધોરણ 6 પછી અભ્યાસ છોડી દીધેલા હોય તેવા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષણ સંસ્થા, નોઇડા (NIOS) મારફતે પરીક્ષા આપીને ડિગ્રી મેળવી શકે તે હેતુથી 22 વિદ્યાર્થીઓના ઓનલાઇન પરીક્ષા ફોર્મ ભરીને પરીક્ષા આપી હતી. આ કામના આરોપી કમલેશ કુમાર પટેલે પરીક્ષા કેન્દ્રમાં બેસનાર વિદ્યાર્થીઓને પાસ કરાવી આપવા ઓનલાઇન ફી સિવાય કોઇ રકમ લેવાની ન હોવા છતાં ગેરકાયદેસર રીતે ફરીયાદી પાસે 1 લાખ 60 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હોય ACBનો સંપર્ક કર્યો હતો. ACBના લાંચના છટકા દરમિયાન આરોપી કમલેશ પટેલ સાથે ફરિયાદીએ હેતુલક્ષી વાતચીત કરી હતી અને આરોપી વતી ઇડર ખાતેની ઓફિસમાં કામ કરતા ઓફિસ આસિસ્ટન્ટ કાજલ ત્રિવેદી તેમજ ઇશુ પટેલ દ્વારા લાંચની રકમ સ્વીકારી હતી.જે બાદ ACBએ કમલેશ પટેલ, કાજલ ત્રિવેદી અને ઇશુ પટેલને રંગેહાથ લાંચની રકમ સાથે ઝડપી પાડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ત્રણ આરોપી ACBના હાથે લાંચ લેતા ઝડપાયા
1) કમલેશકુમાર ગીરધરભાઇ પટેલ (ઉં.વ.37) ધંધો-પ્રાઇવેટ શૈક્ષણિક વ્યવસાય, રહે. સાબલવાડ તા. ઇડર. જી.સાબરકાંઠા
2) કાજલ દિપકભાઇ ત્રિવેદી (ઉં.વ.20), ધંધો-પ્રાઇવેટ નોકરી, ઓફિસ આસીસ્ટન્ટ રહે. લાલપુર (બડોલી). તા.ઇડર. જી.સાબરકાંઠા
3) ઇશુ પ્રકાશભાઇ પટેલ (ઉં.વ.24), ધંધો-પ્રાઇવેટ નોકરી, ઓફિસ આસીસ્ટન્ટ રહે. કાવા તા.ઇડર. જી.સાબરકાંઠા








