Women's Day 2025 / 'શોલે' ના જય-વીરુની યાદ અપાવે છે આ બે સગા બહેનો, જાણો અમદાવાદના 'સાઈડ કારવાળા દાદી' ની કહાની
સામાન્ય રીતે લગ્ન પછી સંસાર માંડે ત્યારે બહેનો એક બીજાથી વિખૂટી પડતી હોય છે. પરંતુ અમદાવાદના પાલડી વિસ્તાર

સામાન્ય રીતે લગ્ન પછી સંસાર માંડે ત્યારે બહેનો એક બીજાથી વિખૂટી પડતી હોય છે. પરંતુ અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા 86 વર્ષના મંદાબહેન અને 83 વર્ષના ઉષાબહેન છેલ્લા 80 વર્ષથી એક બીજાની સાથે રહે છે. ઉષાબહેન ઘરમાં રસોઈની જવાબદારી સંભાળે છે જ્યારે મંદાબહેન ઘરકામમાં મદદ કરે છે. આજીવન અપરણીત રહેલા બંને સગા બહેનો આટલી ઉંમરે સાઈડ કાર સ્કૂટરમાં બેસીને રોજ શહેરના રસ્તાઓ પર ફરવા નીકળી પડે છે. ઘર માટે અનાજ લેવાનું હોય કે શાકભાજી બંને બહેનો સાથે જ હોય છે. ધરણીધર, પાલડી અને વાસણા સહિત અમદાવાદના વિવિધ વિસ્તારના લોકો તેમને 'સાઈડ કારવાળા દાદી' તરીકે ઓળખ છે.
86 વર્ષના મોટા મંદાબહેન હંમેશા સ્કૂટર ચલાવે છે અને 83 વર્ષીય નાની બહેન સાઈડ કારમાં ગોઠવાઈ જાય છે, તેમને વ્હિકલ ચલાવતા નથી આવડતું. લગ્ન કર્યા પછી મહિલાઓ માટે પતિ-પત્ની, સાસુ-સસરા, નણંદ જેવા અઢળક સંબંધોની એક આખી દુનિયા રચાતી હોય છે, પરંતુ બંને અપરણીત બહેનો માટે પરસ્પરનો પ્રેમ અને હુંફ જ તેમની મૂડી છે.
'નાની બહેન અને સાઈડ કાર મારા માટે શ્વાસોશ્વાસ સમાન'
મંદાબેન કહે છે, 'વર્ષ 1962માં 25 વર્ષની ઉંમરે પહેલીવાર ટુ વ્હિલર ચલાવતા શીખી હતી. સ્ત્રી શક્તિકરણ અને જાગૃતિ માટેના અનેક પ્રોજેક્ટમાં કામ કરતી હતી. ત્યારે સોશિયલ વર્કર તરીકે સ્કૂટર લઈને ગામડાઓનો ખૂબ પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન ધીમે ધીમે જીપ ચલાવવાનું પણ શીખી લીધું હતું, પરંતુ સ્કૂટરની તો મજા જ કંઈક જુદી છે. વર્ષો પહેલા પહેલીવાર એક અપંગ વ્યકિતનું સાઈડ કારવાળું ફોર સ્ટ્રોક સ્કૂટર ખરીદ્યું હતું. સાઈડ કારનો ફાયદો એ હતો કે બહેન પણ બાજુમાં આરામથી બેસી શકતી હતી. જો કે, સાઈડ કાર ચલાવતા આવડતું ન હોવાથી બેથી ત્રણ મહિના ઘરે પડ્યું રહ્યું હતું. છેવટે એક અપંગ સંસ્થાના 3 અપંગોને જોઈને મને પણ સાઈડ કાર ચલાવવાની પ્રેરણા મળી હતી. નાની બહેન અને સાઈડ કાર મારા માટે શ્વાસોશ્વાસ સમાન છે.'
સ્વાતંત્ર્ય સેનાની પિતાના પેન્શન પર બંનેની આજીવિકા ચાલે છે
મંદાબહેન અને ઉષાબેનનો પરિવાર પૂર્વ અમદાવાદની પતાસાપોળમાં રહેતો હતો. પિતા સુમતિલાલે સ્વાતંત્ર્ય સેનાની તરીકે આઝાદીની ચળવળમાં ભાગ લીધો હતો. સ્વાતંત્ર્ય સેનાની પિતાના પેન્શન પર બંનેની આજીવિકા ચાલે છે. પરિવારમાં કુલ 5 બહેનો અને 1 ભાઈ અને માતા (શુભદ્રાબેન) હતા. હાલમાં મંદાબહેન અને ઉષાબહેન એમ બે બહેનો જ હયાત છે. બાળપણમાં પરિસ્થિતિ એવી ઉભી થઈ કે 16 વર્ષની નાની ઉંમરે પરિવારના 8 સભ્યોના ભરણપોષણની જવાબદારી આવી પડતા મંદાબેન અને ઉષાબહેને લગ્ન કરવાનું માંડી વાળ્યું હતું. 1955માં સ્ત્રી શિક્ષણ, આરોગ્ય અને બાળકોના એક સરકારી પ્રોજેકટમાં જોડાયેલા મંદાબહેનની આ પ્રથમ નોકરી હતી. ત્યારપછી તો અનેક સંસ્થાઓ, પ્રોજેકેટસ અને જનજાગૃતિના કાર્યક્રમોની કામગીરી કરી છે. 2000થી વધારે ગામડા ખુંદયા છે. ઉષાબહેને પણ ઘરને આર્થિક મદદ થાય તે માટે નાની મોટી નોકરીઓ ઉપરાંત રસોઈથી માંડીને ખાખરા બનાવવા સુધીની મહેનત કરી છે.
'86 વર્ષે પણ ટુ વ્હિલર ચલાવું ત્યારે ખૂબજ રોમાંચ અનુભવું છું'
બે બહેનોની અનોખી જોડીને કેટલાક તો શોલેના જય-વીરુની દોસ્તી સાથે સરખાવે છે.મંદાબહેન કહે છે કે, 'ટુ વ્હિલર ચલાવવાથી આજના યુવાઓ થાકી જતા હોય છે, પરંતુ મારો થાક ઉતરી જાય છે. હું મારી બહેનને લઈને જ્યારે ટુ વ્હિલરની સીટ પર બેસું ત્યારે ખૂબજ રોમાંચ અનુભવું છું. રોજ ખાટા મીઠા અનુભવો પણ થાય છે. કેટલાક ફોટો પાડે, વીડિયો ઉતારે તો કેટલાક ઘરે રહો આટલી ઉંમરે ટુ વ્હિલર ચલાવશો નહીં એવું મહેણું પણ મારે છે. કંટાળો અને આળસ શબ્દ અમારી ડિક્ષનરીમાં નથી અડધી રાત્રે પણ જો કોઈ મને સાઈડ કાર ચલાવવાનું કહે તો તૈયાર થઈ જાઉં છું. આંખોમાં મોતિયા ઉતરાવ્યા છે. થોડીક ઝાંખપ આવી છે છતાં હોબીના લીધે રોડ પર કોઈ જ તકલીફ નથી પડતી. ક્યારેક મૂડમાં હોઈએ તો ભજન અને હિન્દી ગીતો પણ ગણગણતા રહીએ છીએ. 'તું તારા દિલનો દિવો થા' એ સૌથી મનગમતું પ્રેરણા ગીત છે.'








