સુરતમાં યોજાયેલા સમૂહ લગ્નમાં મહાકુંભની થીમ, કૃષ્ણ-રૂક્ષ્મણીના પહેરવેશમાં યુગલોએ પાડ્યા પ્રભુતામાં પગલાં
સમગ્ર દેશના હિન્દુ સનાતનીઓના આસ્થાના પ્રતિક એવા મહાકુંભનું આયોજન પ્રયાગરાજમાં થયું છે. જેમાં કરોડો હિન

સમગ્ર દેશના હિન્દુ સનાતનીઓના આસ્થાના પ્રતિક એવા મહાકુંભનું આયોજન પ્રયાગરાજમાં થયું છે. જેમાં કરોડો હિન્દુઓ આસ્થાની પવિત્ર ડુબકી લગાવી રહ્યાં છે. ત્યારે આ કુંભમાં ન જઈ શકેલા લોકો માટે સમૂહ લગ્નમાં મહાકુંભની થીમ રાખવામાં આવી હતી. આઉટર રિંગ રોડ મોટા વરાછા ખાતે યોજાયેલા શ્રી રામકૃષ્ણના સમૂહ લગ્નમાં 75 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. જેમાંથી ઘણા યુગલો રૂક્ષ્મણી અને કૃષ્ણના પહેરવેશમાં લગ્નના પવિત્ર બંધને બંધાયા હતાં.
અયોધ્યા બાદ કુંભ થીમ પર લગ્ન
લગ્નોત્સવમાં કન્યાદાનમાં ખાસ મહાકુંભમાંથી લાવવામાં આવેલ ગંગાજળ ઉપરાંત રિયલ ડાયમંડ-સોનાના મંગળસૂત્ર સહિત કરિયાવર આપવામાં આવ્યો હતો. ગોવિંદભાઈ ધોળકિયાએ કહ્યું કે, SRK ગ્રુપ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે અયોધ્યાત્સવ થીમ પર સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને વર-વધુએ રામ-સીતાના ગેટઅપમાં ફેરા ફર્યા હતાં. તેવી જ રીતે આ વર્ષે પણ 75 યુગલમાંથી 15 યુગલોએ કૃષ્ણ-રૂક્ષ્મણીના ગેટઅપમાં ફેરા ફર્યા હતા.
સંગમથી 2000 લિટર ગંગાજળ લવાયું
કરિયાવરમાં રિયલ ડાયમંડમાંથી બનેલું મંગળસુત્ર, કાનની બુટી, નાકનો દાણો, ચાંદીના ઝાંઝર, ચાંદીની ગાય, કબાટ, ખુરશી, વાસણનો સેટ, ટીપોઈ, નાસ્તાની ડિશ, સહિત 68 વસ્તુઓ ભેંટ સ્વરૂપે આપવામાં આવી હતી. વિશેષ બાબત એ હતી કે કન્યાઓને કરિયાવર તરીકે ભેટ આપવા માટે પ્રયાગરાજ ખાતે યોજાયેલ મહાકુંભમાંથી 2000 લિટર ગંગાજળ લાવવામાં આવ્યું હતું. સમૂહલગ્ન કાર્યક્રમમાં 15 હજારથી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.








