મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ સમુહલગ્નના નામે છેતરપિંડી વિવાદ, પોલીસે બે આયોજકોની કરી અટકાયત

રાજકોટ: સમુહલગ્નના નામે છેતરપિંડી મામલે પોલીસની ટીમ એકશન મોડમાં આવી છે. સમગ્ર મામલે અત્યારસુધ

રાજકોટ સમુહલગ્નના નામે છેતરપિંડી વિવાદ, પોલીસે બે આયોજકોની કરી અટકાયત

રાજકોટ: સમુહલગ્નના નામે છેતરપિંડી મામલે પોલીસની ટીમ એકશન મોડમાં આવી છે. સમગ્ર મામલે અત્યારસુધી ત્રણ શંકાસ્પદ લોકોની પુછપરછ શરૂ કરાઇ છે. મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા હાલ ફરાર છે. અન્ય બે આયોજકો દિલીપ ગોહિલ અને દિપક હિરાણી પોલીસની હાથવેંતમાં હોવાનું સામે આવ્યું છે.

શું છે ઘટના?

રાજકોટમાં ઋષિવંશી ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં 28 નવદંપત્તિ લગ્નના તાંતણે બંધાવાના હતા. જોકે જ્યારે લગ્ન સ્થળે પહોંચ્યા ત્યારે ત્યા કોઈ વ્યવસ્થા જોવા મળી ન હતી. કન્યા પક્ષ અને વર પક્ષે આરોપ લગાવ્યો છે કે, અમારી પાસેથી 15-15 હજાર રૂપિયા ઉઘરાવવામા આવ્યા હતાં અને એન.વી ઈવેન્ટ ગ્રુપ નામથી રસીદ પણ આપવામાં આવી હતી.

ડિસેમ્બર-2024માં સમૂહ લગ્ન માટેનું બુકિંગ કરવામાં આવ્યું હતું. હવે રુપિયા લઈને આયોજકો ફરાર થઈ ગયા છે. તેમણે ફોન પણ બંધ કરી દીધો છે. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આયોજક ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહેલ, દિપક હિરાણી રફૂચક્કર થઈ ગયા હતા. સવારે 4થી 6ના ગાળામાં 28 જાન લગ્ન સ્થળે પહોંચી ચૂકી હતી.

આયોજકો ફરાર થતા સામાજિક સંસ્થાઓ આવી આગળ

રાજકોટ સમુહલગ્નમાં આયોજકો ફરાર થયા બાદ સામાજિક સંસ્થાઓ આગળ આવી હતી. રાજકોટના બોલબાલા ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક જાનૈયાઓ માટે જમણવારની વ્યવસ્થા કરવામાં આવી છે. તાત્કાલિક અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા જાનૈયાઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

બીજી તરફ યુગલોની વહારે રાજકોટવાસીઓ પણ આવ્યા હતા. રાજકોટના કૃણાલ ચોલેરાએ કરિયાવરની વ્યવસ્થા કરી હતી. ચુલો, કુકર, મિક્ષર, બ્લેન્ડરની વ્યવસ્થા રાજકોટના યુવાને કરી આપી હતી. 

વિપક્ષ નેતા પણ ઘટનાસ્થળે પહોંચ્યા

કોંગ્રેસના નેતા વશરામ સાગઠીયા પણ મંડપ ખાતે પહોંચ્યા હતા. વિપક્ષે પણ યુગલોના લગ્ન કરાવવાની તૈયારી દર્શાવી છે તેમજ આયોજકો સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

રાજકોટ પોલીસ કરાવ્યા લગ્ન

રાજકોટ પોલીસ વરઘોડીયાઓની વહારે આવી હતી. રાજકોટ પોલીસે લગ્ન કરાવ્યા હતા.. રાજકોટ ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમારે કહ્યું કે, જેટલા યુગલો અહીં છે તેમના લગ્ન રાજકોટ પોલીસ કરાવશે. 28 યુગલોના લગ્ન હતા પણ આયોજકો ફરાર થઇ જતા વિવાદ થયો હતો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

આ સમાચાર શેર કરો