સુરત ઘરઘાટીએ કરેલી 40 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, શેઠે ડિમાન્ડ પૂર્ણ ન કરતાં રચ્યું હતુ કાવતરું
સુરતના ઉમરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા નોકર ચોરીના ગુનાનો ભેદ ઉમરા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલો

સુરતના ઉમરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા નોકર ચોરીના ગુનાનો ભેદ ઉમરા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલો છે. 40 લાખની ચોરીનો ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરતા આરોપી પાસેથી કુલ 72 લાખ કરતાં વધુ રકમનો મુદ્દા માલ મળી આવ્યો હતો. જેમાંથી 54 લાખ કરતાં વધુની રકમના દાગીના અને 17 લાખ રોકડા રૂપિયા પોલીસે જપ્ત કર્યા છે અને નોકર કે જે ઘરમાંથી ચોરી કરીને ફરાર થયો હતો તે ઉપરાંત તેના બે સાથીદારોની પોલીસે ધરપકડ કરી છે.
ફ્લેટમાંથી થઈ હતી ચોરી
18-10-2024ના રોજ ઉમરા પોલીસ સ્ટેશનમાં એક નોકર ચોરીનો ગુનો નોંધાયો હતો. વિસ્તારમાં આવેલા ફોર સીઝન એપાર્ટમેન્ટમાં 901 નંબરના ફ્લેટમાં નોકરી કરતા દેવ ચંદ્રકુમાર નામના નોકર દ્વારા ફ્લેટમાંથી રોકડા રૂપિયા અને દાગીનાની ચોરી કરવામાં આવી હતી. ઘરમાં માલિકની ગેરહાજરી દરમિયાન આ ચોરીની ઘટના બની હતી. ઘટનાની જાણ થતા acp સહિતના પોલીસ અધિકારી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી સૌ પ્રથમ 40 લાખ 57 હજાર રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસના ચોપડે નોંધાઈ હતી. તેમાંથી 20 લાખ રૂપિયા દાગીના અને 20 લાખ રૂપિયા રોકડાની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ દ્વારા ફ્લેટ માલિક દ્વારા નોંધાવવામાં આવી હતી.
અલગ અલગ ટીમો બનાવાઈ હતી
આ બાબતે પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે ચોરી કરનાર વ્યક્તિના ઓળખીતા સંબંધી અને મિત્રોની પણ તપાસ કરવામાં આવી હતી. તો બીજી તરફ આરોપી મૂળ વતન તરફ જતી ટ્રેનમાં ટ્રાવેલ બસમાં જઈ શકે છે તેવી આશંકાને લઈને ઉમરા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આ બાબતે પણ તપાસ કરવામાં આવી હતી.
ટીમ મધ્યપ્રદેશ રવાના કરાઈ હતી
ઉમરા પોલીસની ટીમને બાતમી મળી હતી કે આરોપી પોતાના વતન ચોરીના મુદ્દામાલ સાથે જઈ રહ્યો છે. આ બાબતે ઉમરા પોલીસ સ્ટેશનની સર્વેન્સની 5 ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ ની પણ એક ટીમની મદદ લેવામાં આવી હતી. જેમાંથી પોલીસની એક ટીમ મુખ્ય આરોપી દેવેન્દ્ર કુમારના વતન મધુબનિ બિહાર, બીજી ટીમ બિહારના પટના ખાતે, ત્રીજી ટીમ ઉત્તર પ્રદેશ અને ચોથી ટિમ મધ્યપ્રદેશ રવાના કરવામાં આવી હતી. પાંચમી ટીમ સ્થાનિક સ્તરે સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ કરતી હતી અને તેમની સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ સંકલનમાં જોડાઈ હતી.
લોકેશનના આધારે ઝડપ્યો
મુખ્ય આરોપી ચોરીના મુદ્દામાલ સાથે પોતાના મૂળ વતન જઈ રહ્યો હોવાની બાતમી પોલીસની ટીમને મળતા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી અને પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી મધ્યપ્રદેશના રિવા ખાતે પહોંચ્યો છે. તેથી પોલીસની ત્રણ નંબરની ટીમને આ બાબતે માહિતી આપવામાં આવી હતી અને સ્થાનિક પોલીસને સાથે રાખીને આરોપીના લોકેશનના આધારે આરોપીને ઝડપી પાડ્યા હતા. આરોપીને ઝડપી તેની પાસેથી પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપીએ સુરત ખાતે રહેતા રત્નેશ નામના વ્યક્તિના ઘરે 15 લાખ રૂપિયા મૂક્યા છે તેથી ઉમરા પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી રત્નેશની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. મુખ્ય આરોપી દેવચંદ્રકુમાર, મુન્નાનંદ ઉમેશરાય અને રત્નેશકુમાર અશોકરાયની ધરપકડ કરી છે.
ડિમાન્ડ પૂરી ન થતાં કરી હતી ચોરી
આરોપીએ ચોરી કરવાનું કારણ પોલીસને જાણવા મળ્યું હતું કે, આરોપીના ભાઈને દાંતની તકલીફ હતી અને આરોપીએ તેના શેઠને દાંતની તકલીફ દૂર કરવા માટે જણાવ્યું હતું. આ ઉપરાંત આરોપીએ પોતાની પત્નીની સાડી ખરીદવા માટે પણ શેઠને જણાવ્યું હતું. પરંતુ ફ્લેટ માલિક દ્વારા આરોપીની આ ડિમાન્ડ પૂરી કરવામાં ન આવતા તેને શેઠ સાથે અનબન થઈ હતી અને ઘરમાં ચોરી કરવાનું કાવતરું રચ્યું હતું. હાલ પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી 54,36,867 રૂપિયાના સોના ચાંદીના દાગીના 17,91,500 રોકડા રૂપિયા જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.








