શ્વાસના દર્દીઓ સાચવજો: ગુજરાતમાં હાલ દિવસની બે સિગારેટ પીવા જેટલું પ્રદુષણ
શિયાળાની સાથે જ દિલ્હીની હવા ઝેરી બનવા લાગી છે, અને એર ક્વોલિટી ઈન્ડેક્સ સતત 400ને પાર થઈ

શિયાળાની સાથે જ દિલ્હીની હવા ઝેરી બનવા લાગી છે, અને એર ક્વોલિટી ઈન્ડેક્સ સતત 400ને પાર થઈ ગયો છે. ગુજરાતમાં પણ ધીરે ધીરે પ્રદુષણનું પ્રમાણ વધવા લાગ્યું છે. 19 નવેમ્બરના રોજ સુરતમાં સૌથી વધુ 263નો એર ક્વોલિટી ઈન્ડેક્સ નોંધાયો હતો. ગુજરાતીઓ હાલ દિવસમાં બે સિગરેટ પીવે તેટલું પ્રદુષણ છે.
દિલ્હીમાં પ્રદુષણનું પ્રમાણ 60 ગણું વધારે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના માપદંડ કરતાં પણ દિલ્હીમાં પ્રદુષણનું પ્રમાણ 60 ગણું વધારે છે, દિલ્હીમાં હાલ પ્રદુષણનું પ્રમાણ દિવસમાં 49 સિગરેટ પીવા સમાન છે, જેના ઉપરથી જ દિલ્હીમાં પ્રદુષણની ચિંતાજનક સ્થિતિનો તાગ મેળવી શકાય છે. અન્ય રાજ્યોમાંથી હરિયાણામાં 29, બિહારમાં 10, ઉત્તરપ્રદેશમાં 9.50 ઓડિશાસ બંગાળ, રાજસ્થાનમાં 7.5 સિગારેટ પીવા જેટલું પ્રદુષણ છે.
આ પણ વાંચો:સાવધાન..! ઝેરી હવા શ્વસન નળીના મુખને સાંકડો કરી રહી છે, દિલ્હી AIIMS
સુરતમાં 263ના એર ક્વોલિટી ઈન્ડેક્સ સાથે સૌથી વધુ પ્રદૂષિત હવા
ગુજરાતમાંથી મંગળવારની સ્થિતિએ સુરતમાં 263ના એર ક્વોલિટી ઈન્ડેક્સ સાથે સૌથી વધુ પ્રદૂષિત હવા હતી. તજજ્ઞોના મતે 201-300 વચ્ચે એર ક્વોલિટી ઈન્ડેક્સ હોય તે તેને ખરાબ શ્રેણીમાં મૂકવામાં આવે છે. જેમાં લાંબો સમય રહેવાથી શ્વાસ લેવામાં સમસ્યા સર્જાઈ શકે છે.
કેટલો એર ક્વોલિટી ઈન્ડેક્સ જોખમી...
| એક્યુઆઇ | સ્થિતિ |
| 0-50 | સારી |
| 51-100 | સંતોષકારક |
| 101-200 | મઘ્યમ |
| 201-300 | ખરાબ |
| 301-400 | ખૂબ જ ખરાબ |
| 401-500 | ચિંતાજનક |
ગુજરાતમાં 24 કલાકમાં પ્રદૂષણનું ક્યાં -કેટલું સ્તર
| શહેર/વિસ્તાર | પ્રદૂષણ |
| સુરત | 263 |
| અંકલેશ્વર | 182 |
| અમદાવાદ | 182 |
| વટવા | 118 |
| ગાંધીનગર | 113 |
| (* 19 નવેમ્બરની સ્થિતિએ.) |
એર ક્વોલિટી ઈન્ડેક્સ 400ને પાર જાય તો તંદુરરસ્ત વ્યકિતને પણ અસર કરે
એર ક્વોલિટી ઈન્ડેક્સ 400ને પાર જાય તો તંદુરરસ્ત વ્યકિતને પણ અસર કરે છે. તબીબોના મતે જેમને શ્વાસની સમસ્યા હોય તેમના માટે હાલ માસ્ક પહેરીને બહાર નીકળવું હિતાવહ છે.








