ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે ધ્વસ્ત, અમદાવાદ-સુરત હત્યા મામલે UP-બિહારના રસ્તે
ગુજરાત મોડેલને ઢોલ-નગારા સાથે વિશ્વમાં રજૂ કરવામાં આવે છે પણ ક્રાઇમના મામલે ગુજરાતે યુપી અને

ગુજરાત મોડેલને ઢોલ-નગારા સાથે વિશ્વમાં રજૂ કરવામાં આવે છે પણ ક્રાઇમના મામલે ગુજરાતે યુપી અને બિહારને પણ પાછળ છોડી દીધું છે. રાજ્યમાં જાહેરમાં ફાયરિંગ, અપહરણ અને હત્યાના ગુનામાં વધારો થયો છે. અમદાવાદ જેવી મેગા સિટીમાં જાહેરમાં હત્યા અને ફાયરિંગના બનાવ બન્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં પણ હત્યાની ઘટનામાં સતત વધારો થયો છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે.
રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે ધ્વસ્ત, અમદાવાદ-સુરત ક્રાઇમ કેપિટલ
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે ધ્વસ્ત થઇ ગઇ છે. રોજેરોજ છાશવારે હત્યાના બનાવો વધી રહ્યાં છે. અમદાવાદના નહેરૂનગર વિસ્તારમાં શાકભાજીના વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં વેપારીનું નિધન થયું છે. આ પહેલા પણ અમદાવાદમાં માઇકાના વિદ્યાર્થીની છરીના ઘા મારીને પોલીસ કર્મી દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ પહેલા બોપલમાં NRIની હત્યા કરવામાં આવી હતી. આ પહેલા ચાંદખેડા વિસ્તારમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક જૂથ અથડામણમાં એક વ્યક્તિની હત્યા થઇ હતી. એક જ મહિનામાં અમદાવાદમાં હત્યાની ઘટનામાં વધારો થતા સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે.
અમદાવાદમાં મારામારીનો વધુ એક વીડિયો વાયરલ
અમદાવાદમાં ઇસનપુર ચાર રસ્તા પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. જાહેરમાં લાઠી - દંડા લઈ અસામાજિક તત્વો બેફામ બન્યા હતા. 2 જૂથ વચ્ચે બબાલ વચ્ચે પોલીસને જોતા જ અસામાજિક તત્ત્વો ભાગી ગયા હતા. જૂથો વચ્ચે થયેલી બબાલમાં લાકડીઓથી મારામારી દરમિયાન પોલીસ પણ પહોંચી હતી પણ અસામાજિક તત્ત્વોને પકડી શકી નહતી. નારોલ નજીક આવેલા રાધે કિશન બિઝનેસ પાર્ક પાસે આ ઘટના બની હોવાનું જાણવા મળે છે.
સુરતમાં પણ હત્યાના બનાવમાં વધારો
સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ચોક બજાર વિસ્તારમાં પારસ સોસાયટીમાં અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ચપ્પુના ઘા મારી ફરાર થઇ ગયા હતા. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.
સુરતના કતારગામમાં પણ જાહેર રસ્તા પર હત્યાના બનાવના હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા છે. ગાડી સાઈડમાં કરવાની નજીવી બાબતે માથાકૂટ થયા બાદ યુવક પર પીકઅપ વાન ચડાવી દેવામાં આવી હતી. એટલેથી પણ ન અટકતા યુવકને 150 મીટર જેટલો ઢસડવામાં આવ્યો હતો. જેના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
ભાવનગરમાં પણ પ્રેમ પ્રકરણમાં હત્યા
અમદાવાદ-સુરત પછી ભાવનગરમાં પણ હત્યાની ઘટના સામે આવી છે. ભાવનગર જિલ્લામાં સગા કાકાએ જ ભત્રીજાની હત્યા કરી હોવાનું ખુલ્યું છે. પ્રેમ પ્રકરણ મામલે આ હત્યા કરાઇ હોવાનું પોલીસ તપાસમાં ખુલતા પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી છે.
8 નવેમ્બર 2024ના રોજ જેસર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં તોહિતખાન બ્લોચ નામના યુવાનની રાણીગામ વાડી વિસ્તાર પાસે શંકાસ્પદ હાલતમાં બાઈક સાથે લાશ મળી આવી હતી. આ ઘટનામાં પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે તોહિતખાન બ્લોચની પ્રેમ પ્રકરણમાં મામલે હત્યા કરવામાં આવી છે. હત્યા કરનાર બંને સગા કાકા શકદાર સલીમખાન બ્લોચ અને શકદાર હાસમખાન બ્લોચની ભત્રીજાના હત્યા કેસમાં જેસર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદ: નહેરુનગર પાસે ફાયરિંગનો મામલો, ઈજાગ્રસ્ત બદાજી મોદીનું સારવાર દરમિયાન મોત
રાજ્યના ગૃહમંત્રી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત
ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં વ્યસ્ત બન્યા છે ત્યારે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઇ છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા હર્ષ સંઘવી મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારની તસવીરો તો શેર કરતા રહે છે પણ રાજ્યમાં જ્યારે હત્યા-ફાયરિંગની ઘટના વધી તે મામલે એક પણ પોસ્ટ જોવા મળતી નથી.








