ગુજરાત બોર્ડ ધોરણ 10, 12 સા.પ્ર,ની પરીક્ષા પણ હવે વર્ષમાં બે વાર લેશે
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આજે ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓ માટે મહત

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આજે ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વની જાહેરાત કરાઈ છે. જે મુજબ આગામી મુખ્ય બોર્ડ પરીક્ષા ફેબ્રુઆરીથી માર્ચમાં લેવાયા બાદ જુનામાં ધોરણ-12 સાયન્સ સાથે ધોરણ-10 અને સામાન્ય પ્રવાહ માટે બીજી વાર બોર્ડ પરીક્ષા એટલે કે તમામ વિષયોની પુરક પરીક્ષા લેવાશે.
પૂરક પરીક્ષામાં પરિણામ સુધારવાની તક મળશે
ગત વર્ષે ધોરણ-12 સાયન્સમાં બેસ્ટ ઓફ ટુની સ્કીમ લાગુ કરાયા બાદ હવે ધોરણ10 અને 12 સામાન્ય પ્રવાહમાં બેસ્ટ ઓફ ટુની સ્કીમ મુજબ વિદ્યાર્થીને પૂરક પરીક્ષામાં પરિણામ સુધારવાની તક મળશે. શિક્ષણ વિભાગ દ્વારા આ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પરીક્ષા પ્રમાણપત્ર વિનિયમ 2005માં સુધારો કરવામાં આવ્યો છે.
અગાઉ એવી જોગવાઈ હતી કે માત્ર માર્ચમાં જ પરીક્ષા લેવી પરંતુ બોર્ડે આ જોગવાઈ સુધારીને હવે કોઈ પણ માસમાં એટલે કે બોર્ડે કરે તે માસમાં લેવાશે. નક્કી કરેલા કેન્દ્રોની જાણ સ્કૂલોને જે તે જાન્યુઆરી માસમાં કરવામાં આવશે.નવી જોગવાઈ મુજબ ધો.10 અને ધો.12ના તમામ પ્રવાહના ઉમેદવારોને પુરક પરીક્ષામાં તમામ વિષયમાં બેસવાની અને પરિણામ સુધારવાની તક મળશે.
જે પરિણામ શ્રેષ્ઠ એટલે કે માર્કસ વધારે હશે તેને જ ધ્યાને લેવાશે
વિદ્યાર્થીના મુખ્ય પરીક્ષા અને પુરક પરીક્ષાના પરિણામમાંથી જે પરિણામ શ્રેષ્ઠ એટલે કે માર્કસ વધારે હશે તેને જ ધ્યાને લેવાશે. ખાસ સંજોગોમાં કોઈપણ સમયે અને કોઈપણ પરીક્ષા કેન્દ્ર પર ખાસ પરીક્ષા લેવાનો અધિકાર પરીક્ષા સમિતિને રહેશે.






